રાજકોટ, રાજકોટનાં પડધરીમાં હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ ટિપ્પણી કરનારને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જો કે, આ આરોપી સામે કડક કાર્યવાહીની માગ સાથે વેપારીઓએ ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. ફક્ત એટલું જ નહીં થોડીવાર માટે રાજકોટ જામનગર હાઇ-વે પર ચક્કાજામ સર્જ્યો હતો. જો કે, સ્થાનિક પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરીમાં એક શખ્સે હિન્દુ દેવી-દેવતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને સકંજામાં લીધો હતો. જો કે, આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા આરોપીઓને કડક સજા આપવાની ઉપરાંત જાહેરમાં સરઘસ તેમજ સરભરા કરવાની માગણી કરવામાં આવી હતી. આ માગણીને લઈને રાજકોટ જામનગર હાઇ-વે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અંદાજે પંદર મિનિટ સુધી હાઇ-વે જામ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને પોલીસ દ્વારા લોકોને સમજાવી હાઇ-વે ઉપર ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો.
આ અંગે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને આપણી માગ એવી છે કે, ભવિષ્યમાં કોઈ આવું કરે નહીં તે માટે તેને કડક સજા થવી જોઈએ. આ અંગે રજુઆત કરતા સાહેબે આ માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને ત્યારે પણ આપણે સૌ સાથે રહીશું. આજે આ માટે અહીં આવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. ૧૨ વાગ્યા સુધી બધા વેપારીઓ બંધ રાખશે. અને ત્યારબાદ સ્વૈચ્છીક રીતે દુકાનો પણ ખોલી શકાશે. પરંતુ ગામમાં કોઈપણ પ્રકારનું અશાંતિનું વાતાવરણ ન થાય તે બાબતનું સૌને ધ્યાન રાખવા અપીલ પણ તેમણે કરી હતી.