પટણા, બિહારમાં જદયુના સાંસદ સુનીલ કુમાર પિન્ટુ પાસેથી ૨ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો આરોપીઓએ સાંસદના એડિટ કરેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી છે. પોલીસે એફઆઇઆર નોંધીને મામલાની તપાસ હાથ ધરી છે.
એફઆઇઆર પ્રમાણે છેલ્લા ૧૦ દિવસથી સતત બે મોબાઈલ નંબર પરથી વોટ્સએપ પર સાંસદ સુનીલ કુમારના એડિટ કરેલા ફોટા અને વીડિયો મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે ૨ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે અને જો નહીં આપવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી રહી છે.
આરોપીઓએ ધમકી આપી છે કે, ૨ કરોડ રૂપિયા નહીં આપવા પર તેઓ સાંસદના એડિટ કરોલ ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કરશે અને તેના પરિવારના સભ્યોને પણ મોકલી દેશે. સીતામઢીના લોક્સભા સાંસદ સુનીલ કુમાર પિન્ટુએ આ મામલામાં પૂજા કુમારી નામની મહિલાને મુખ્ય આરોપી ગણાવી છે. ફરિયાદ અરજીમાં સાંસદે જણાવ્યું કે, પૂજા ઉપરાંત અન્ય લોકો પણ તેમાં સામેલ હોવાની આશંકા છે.
શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી રામ શંકર સિંહે જણાવ્યું કે, સાંસદની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે સંશોધન કરી રહી છે. પોલીસ સુરક્ષાના કારણોસર કોલ નંબર શેર નથી કરી રહી.