જયપુર, રાજસ્થાનનાં વહીવટી તંત્રમાં ઉચ્ચસ્તરે મોટાપાયે ફેરફાર કરીને સરકારે સાત આઈએએસ અને ૩૦ આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે.રાજય સરકારની યાદીમાં જણાવાયું હતું કે વહીવટી સચિવાલય અને અન્ય વિભાગની કચેરીઓમાં અધિકારીઓ એક જ ચોક્કસ પોસ્ટ અને વિભાગમાં ઘણા સમયથી હોવાનું જણાયું છે. તેનાથી વહીવટની પારદશતા અને વિશ્ર્વસનીયતાને અસર થાય છે. તેથી વહીવટમાં વિશ્ર્વાસ જાળવવાના હેતુથી તે નિર્દેશ અપાયો છે કે કે કોઈ ચોક્કસ હોદ્દા પર એક અધિકારીનો કાર્યકાળ મહત્તમ ત્રણ વર્ષનો અને ખાસ કિસ્સાઓમાં પાંચ વર્ષનો હોવો જોઈએ.
જે સાત આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં કાના રામ, એમએલ ચૌહાણ, પુષ્પા સત્યાની, ગૌરવ અગ્રવાલ, ઉત્સવ કૌશલ, દેવેન્દ્ર કુમાર અને અક્ષય ગોદારાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ત્રણ આઈપીએસ અધિકારીઓને વધારાની જવાબદારી સોંપાઇ છે. જેમાં કમ્યુનિટી પોલીસિંગ જયપુરના પોલીસ મહાનિદેશક (ડીજીપી), સંજીબ કુમાર નરઝારી, ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) આરએસી જયપુર, રૂપિન્દર સિંહ અને ઇન્સ્પેક્ટર જનરલ, હ્યુમન રાઇટ્સ, પોલીસ હેડક્વાર્ટર્સ જયપુર, કિશન સહાય મીણાને આગામી આદેશ સુધી અનુક્રમે ડીજીપી પર્સોનેલ, આઇજી સિકયોરિટી અને આઇજી ટ્રેનિંગની વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં માહિતી અને પ્રસારણ વિભાગની ઓફિસમાંથી ૨ કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ૧ કરોડ રૂપિયાથી વધુની કિંમતના સોનાના બિસ્કિટ મળી આવ્યાના થોડા દિવસો બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.