ફટાકડાના ગોદામમાં મોટો વિસ્ફોટ, ત્રણ લોકોના મોત અને બે ઘાયલ

હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં ફટાકડાના ગોદામમાં મોટો બ્લાસ્ટ થયો છે. ત્રણ લોકોના મોતના સમાચાર છે જ્યારે અન્ય ૨ લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મામલો આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાનો છે. અહીં, કોવાકોલ્લી ગામમાં સ્થિત ફટાકડાના ગોડાઉનમાં અચાનક વિસ્ફોટ થતાં ત્રણ લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ વિસ્ફોટ થયો ત્યારે ગોડાઉનમાં ૫ લોકો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટના કારણે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના ગુરુવારની છે. તે જ સમયે, વિસ્ફોટ શા માટે અને કેવી રીતે થયો તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

મીડિયા અહેવાલ મુજબ આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, તેમની ઓળખ ૪૦ વર્ષીય યેદુ કોંડાલુ, ૩૨ વર્ષીય શંકરૈયા અને ૨૫ વર્ષીય નાગેન્દ્ર તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને પહેલા શ્રીકાલહસ્તીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા અને તિરુપતિની SVR સરકારી જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

બીજી તરફ વિસ્ફોટ બાદ તરત જ ફાયર બ્રિગેડના જવાનોને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તેઓએ ત્રણ કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ફાયરમેન આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ગોડાઉનમાં સતત ફટાકડા ફૂટી રહ્યા હતા, જેના કારણે આગ ઓલવવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી.

એક અઠવાડિયા પહેલા પશ્ર્ચિમ બંગાળમાં ફટાકડાના ગોદામમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં બે મહિલા સહિત ત્રણના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ ઉપરાંત એક ૧૩ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.