મુંબઈ, મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત સર્જાયેલા સળવળાટ વચ્ચે એનસીપી વડા શ્રી શરદ પવાર બે અલગ-અલગ મુલાકાતોમાં પહેલા રાજયના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને બાદમાં સાંજે દેશના ટોચના ઉદ્યોગપતિ શ્રી ગૌતમ અદાણી સાથે તેઓએ મુલાકાત કરી હતી.
મહારાષ્ટ્રમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ રાજકીય શાંતિ જેવી સ્થિતિ છે. પરંતુ શિવસેનામાંથી અલગ થયેલા અને શિંદે જૂથમાં ભળેલા ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા મુદે સર્વોચ્ચ અદાલતે જે રીતે વિધાનસભા અધ્યક્ષ પદ નિર્ણય છોડીને સસ્પેન્સ સર્જયો છે તે વચ્ચે શ્રી શરદ પવારની આ બન્ને મુલાકાતો ચર્ચામાં આવી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કરીને અલગ જૂથ બનાવી ભાજપની સાથે સરકાર બનાવી અને શિંદેએ મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદની સવાર સાથેની આ પ્રથમ મુલાકાત બની રહી હતી. જયારે હિડનબર્ગ વિવાદ બાદ ગૌતમ અદાણી અવારનવાર શ્રી શરદ પવારને મળતા રહ્યા છે અને તેઓની ગઈકાલની આ મુલાકાત પણ ફરી ચર્ચામાં છે.
મહારાષ્ટ્રમાં હવે આગામી વર્ષ લોક્સભા-ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે. તે પુર્વે વિપક્ષી એક્તાના નવેસરથી શરૂ થયેલા પ્રયાસોમાં શ્રી શરદ પવારની ભૂમિકા પણ મહત્વની બનશે. શ્રી પવાર પહેલા મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેને મુખ્યમંત્રીના સતાવાર નિવાસસ્થાન ‘વર્ષ’માં મળ્યા હતા અને આ મુલાકાત બાદ એક ટવીટ કરી શ્રી પવારે જણાવ્યું કે, ૧૯૪૫માં સ્થપાયેલી એક ચેરીટેબલ ઈન્સ્ટીટયુટ ‘મરાઠા મંદિર’નો ૭૫મી વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થયા.
તેઓએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને આમંત્રણ આપ્યુ હતું. આ સંસ્થા માનવ જીવનમાં સંસ્કાર-મુલ્યો અને ફરજો પ્રત્યે વિવિધ કામ કરે છે તથા તેઓએ મરાઠી ફિલ્મ અને થિયેટર ક્ષેત્રે કામ કરતા અદાકારો તથા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જે મુશ્કેલી-સમસ્યાનો સામનો કરે છે તે મુદે પણ ચર્ચા કરી હતી. બાદમાં સાંજે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મરાઠા નેતાને તેમના નિવાસસ્થાન ‘સિલ્વર ચોક’ માં મળવા પહોંચ્યા હતા.
છેલ્લા બે માસમાં આ બન્નેની બીજી મુલાકાત છે. બાદમાં શ્રી પવારે કહ્યું કે, સિંગાપોરથી આવેલા એક પ્રતિનિધિમંડળને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે કોઈ ટેકનીકલ મુદે મળવાનું હતું અને તેઓ બન્ને મળ્યા હતા. જો કે કોઈ ટેકનીકલ મુદો હોવાથી જો અને તોમાં કોઈ બહુ ખ્યાલ આવ્યો ન હતો. શ્રી અદાણી દેશના રાજકીય નેતાઓમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બાદ એનસીપી વડા શરદ પવારના નજીકના ગણાય છે તેથી આ મુલાકાત પણ ચર્ચા માટે કારણ આપી ગઈ હતી.