નવીદિલ્હી, નૈૠત્ય ચોમાસાએ બે દિવસથી રફતાર પકડી છે અને હવે દક્ષિણ અરબી સમુદ્રમાં પ્રવેશ કરી લીધો છે. જો કે ઝડપ હજુ ન વધે તો ભારતમાં ચોમાસાના આગમનમાં વધુ ૩-૪ દિવસનો વિલંબ થવાની શકયતા છે. ભારતના નૈૠત્ય ચોમાસુ સામાન્ય રીતે ૧લી જુને પ્રવેશતુ હોય છે. પરંતુ આ વખતે તેમાં ઢીલ થવાનું અને ૪ જૂને આગમન થવાનુ હવામાન વિભાગે અગાઉ જ જાહેર કરી દીધુ હતું.
દક્ષિણ અરબી સમુદ્ર, માલદીવ તથા કોમોરીન ક્ષેત્રમાં આગળ ધપ્યુ છે. પુર્વીય છેડો બંગાળની ખાડીના દક્ષિણ-પુર્વ અને મધ્યના વધુ કેટલાંક ભાગોમાં પહોંચ્યો છે. ચોમાસુ આગળ ધપવા માટે સંજોગો સાનુકુળ છે અને આવતા ૪૮ કલાકમાં દક્ષિણ અરબી સમુદ્ર, બંગાળની ખાડીના વધુ કેટલાંક ભાગોને કવર કરી લેશે.ચોમાસુ વર્તમાન ગતિએ જ આગળ વધવાના સંજોગોમાં ભારતમાં તેનો પ્રવેશ વધુ ઢીલમાં પડી શકે છે. ૪ ને બદલે ૮ જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરવાની શકયતા છે.
દરમ્યાન હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું કે કેરળમાં ૪થી જૂને પ્રવેશ થાય તોપણ ચોમાસુ આગળ વધવામાં ઢીલ થવાની શકયતા છે. કારણ કે ચોમાસાને આગળ ધપાવવામાં નિર્ણાયક લો-પ્રેસર અરબી સમુદ્રમાં ૬ જૂને ઉદભવે તેમ છે. લો-પ્રેસર સિસ્ટમના જોર ઉપર ચોમાસાના આગળ વધવાનો આધાર છે. ભારતીય તટ તરફ સીસ્ટમ આવે છે કે દુર જાય છે? તે જોવાનું રહેશે. જુદા-જુદા મોડલ પર અલગ-અલગ ચિત્ર ઉપસી રહ્યા છે એટલે સ્પષ્ટ તારણ દર્શાવવાનું મુશ્કેલ છે. હવામાન વિભાગ પણ ’થોભો અને રાહ જુઓ’નો વ્યુહ અપનાવી રહ્યું છે.
લો-પ્રેસર ઉદભવ્યા બાદ મજબૂત બને તો ચોમાસાની પ્રગતિ પર પ્રભાવ પડશે. સીનીયર અધિકારીના કહેવા પ્રમાણે ચોમાસા સંબંધી કોઈ મજબૂત પ્રવાહ જોવા મળ્યો નથી. કદાચ બે દિવસમાં કરંટ આવી શકે છે અને ત્યારબાદ કેરળમાં આગમન માટેની સાનુકુળ સ્થિતિ સર્જાઈ શકે છે. કેરળના ૬૦ ટકા હવામાન કેન્દ્રો હેઠળના વિસ્તારોમાં સળંગ બે દિવસ ૨.૫ મી.મી. વરસાદ પડવાના સંજોગોમાં તથા પવનના ટેકનીકલ માપદંડ યોગ્ય રહેવાના બીજા દિવસે હવામાન વિભાગ ચોમાસાનો પ્રવેશ જાહેર કરે છે.