વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન એક કાર્યક્રમ દરમિયાન બધાની સામે સ્ટેજ પર પડી ગયા. ત્યારબાદ તેમણે ઈશારો કરીને બતાવ્યું કે તેમનો પગ કઈ વસ્તુ સાથે અથડાયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
૮૦ વર્ષના બાઈડેનને એરફોર્સના અધિકારીએ ઊભા કર્યા. તેઓ હાલ ઠીક છે. બાઈડેન કોલોરાડોના એરફોર્સ એકેડેમીમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતા. તેમણે અહીં સૈન્ય એકેડેમીના સ્નાતકોને સંબોધિત કર્યા. ત્યારબાદ એક કેડેટ સાથે હાથ મિલાવ્યા અને પોતાની સીટ તરફ પાછા ફરી રહ્યા હતા. તેઓ આગળ વધી જ રહ્યા હતા કે સ્ટેજ પર પડી ગયા. તેમને સ્ટેજ પર હાજર એરફોર્સના અધિકારીઓએ સપોર્ટ આપીને ઊભા કર્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ ઈશારો કરીને જણાવ્યું કે તેમનો પગ સેન્ડબેગ સાથે અથડાયો હતો.
સ્ટેજ પર કાળા રંગની સેન્ડ બેગ હતી. બાઈડેન તેને જોઈ શક્યા નહીં. બાઈડેન જલદી ઉઠ્યા અને પાછા પોતાની સીટ તરફ જતા રહ્યા. પડ્યા બાદ બાઈડેન સ્ટેજ પર કોઈ પણ સહારા વગર ચાલતા જોવા મળ્યા. આ સમારોહના સમાપન પર હસતા હસતા તેઓ પોતાની ગાડીમાં પણ સવાર યા. આ ઘટના બાદ વ્હાઈટ હાઉસના સંચાર નિદેશક બેન લાબોલ્ટે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ઠીક છે. મંચ પર એક સેન્ડબેગ હતી. તેઓ હાથ મિલાવીને પાછા ફર્યા તો તેઓ સેન્ડબેગ સાથે અથડાયા હતા.
અત્રે જણાવવાનું કે જો બાઈડેન અમેરિકાના સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેઓ ૨૦૨૪માં થનારી ચૂંટણી પણ લડશે. આ વર્ષે તેમના અધિકૃત ડોક્ટરના રિપોર્ટે તેમને શારીરિક રીતે ફીટ જાહેર કરેલા છે. તેઓ નિયમિતપણે ક્સરત કરે છે. નવેમ્બર ૨૦૨૦માં રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યાના થોડા દિવસ બાદ બાઈડેનનો પગ તૂટ્યો હતો. પાળતુ શ્ર્વાન સાથે રમતી વખતે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.