દાહોદ, દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના મંડેર ગામની છેલ્લા એક વર્ષથી માનસીંક અસ્થિરતાનો ભોગ બનેલ 27 વર્ષીય મહિલાની લાશ ગામના એક કુવામાંથી મળી આવતાં સીંગવડ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સીંગવડ તાલુકાના મંડેર ગામે રહેતા મેહુલભાઈ વજાભાઈ ભુરીયાની પત્ની 27 વર્ષીય દક્ષાબેન ભુરીયા છેલ્લા એક વર્ષથી માનસીક અસ્થિરતાથી પીડાતી હતી અને તેની લાશ ગઈકાલે સવારે અગ્યાર વાગ્યાના સુમારે ગામના કુવામાંથી મળી આવી હતી.
આ અંગેની જાણ સીંગવડ તાલુકાના દાસા ગામના નિનામા ફળિયામાં રહેતા 50 વર્ષીય રયજીભાઈ મંગાભાઈ નિનામાએ રંધીકપુર પોલીસ સ્ટેશને કરતા, રંધીકપુર પોલીસે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગામ લોકોની મદદથી મૃત્તક દક્ષાબેન મેહુલભાઈ વજાભાઈ ભુરીયાની લાશ કુવાના પાણી માંથી બહાર કાઢી પોલીસ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સીંગવડ સરકારી દવાખાને મોકલી આપી. આ સંદર્ભે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના કાગળીયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.