ગોધરા, લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા અને કલેક્ટરની કચેરી પંચમહાલના સયુક્ત ઉપક્રમે કલેક્ટરની કચેરી ખાતે આજ રોજ સી.પી.આર.ની તાલીમ આપવામાં આવી હતી. આકસ્મિક સમયે હ્રદય બંધ પડી જવાના કિસ્સામાં આ પદ્ધતિ દ્વારા હ્રદયને પુન: કાર્યાન્વિત કરી માનવીની મહામૂલી જિંદગી બચાવી શકાય છે. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યાકારી પ્રમુખ અને ગુજરાતના નામાંકિત ગાયનેકોલોજિસ્ટ ડો.સુજાત વલી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કલેક્ટર આશિષ કુમાર નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા સહિત કચેરીના તમામ અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. CPRનું પૂરૂં નામ: C-કાર્ડિયો (હૃદય) P-પલ્મોનરી (ફેફસાં) R-રીસસીટેશન (કાર્ડિયો પલ્મોનરી રીસસીટેશન), સી.પી.આર. એટલે હ્રદય બંધ પડી જવાના કિસ્સામાં કે મેડીકલ સહાય તથા એમ્બ્યુલન્સ પહોંચે તે સમય સુધી શું કરવું, શું ન કરવું કેવી રીતે હૃદયને પુન:કાર્યાન્વિત કરી શકાય કે કઈ રીતે વ્યક્તિનો અમૂલ્ય જીવ બચાવી શકાય તે માટે આ ખુબજ જરૂરી તેવી તાલીમ આપવામાં આવી હતી. હૃદય બંધ થયા પછી શરૂઆતના આ સમયે મેડીકલ સેવા પહોંચે તે દરમ્યાન સમય વ્યય થઇ જાય તો માનવી જીવ ગુમાવી બેસે છે. આવા સંજોગોમાં કોઈ નજીકમાં ઉપસ્થિત વ્યક્તિ CPR આપવાનુ શરૂ કરી દે તો માનવીનું મુલ્યવાન જીવન બચી શકે છે. માનવ શરીરના શ્ર્વસનતંત્ર અને તેની સાથે સંકળાયેલ અંગો વિષે પ્રાથમિક માહિતી, તબક્કાવાર CPR કેવી રીતે આપવું? તેની જરૂરિયાત કેવી રીતે નક્કી કરવી? કેટલા સમય સુધી આપવું? તે અંગે વિસ્તૃતપણે સમજ આપવામાં આવી. માનવ શરીરના મોડેલ દ્વારા ડેમો-સ્ટ્રેશન તેમજ પ્રયોગાત્મક રીતે તાલીમ આપવામાં આવી હતી. તેમજ 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જાતે પ્રાયોગિક રીતે તાલીમ મેળવી હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના મેનેજર દ્વારા સદર કાર્યકમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. લોક વિજ્ઞાન કેન્દ્ર ના સ્ટાફ બ્રિજ જાદવ, પૃથ્વીરાજ ગોહિલ, હરમીટ પટેલેનો સહયોગ સાપડ્યો હતો. લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા પાછલા ઘણા વર્ષોથી સી.પી.આર.ની તાલીમ વિદ્યાર્થીઓ, શિક્ષક તેમજ નાગરિકોને આપવામાં આવી રહી છે. આજદિન સુધી લગભગ 16000 થી વધુ લોકોને સી.પી.આર.ની તાલીમ અપાઈ ચૂકી છે. હવે પાછી વધુમાં વિવિધ કચેરીઓ, પોલીસ વિભાગ, ખેડૂતો, મહિલાઓ તેમજ નાગરીકોને સી.પી.આર. તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ છે.