મહારાષ્ટ્રમાં ‘ચાઈલ્ડ ટ્રાફિકિંગ’નો પર્દાફાશ: આટલા બાળકોને બચાવાયા

નાસિક, રેલવે પોલીસ પ્રશાસન દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરતા ચાઈલ્ડ ટ્રાફિકિંગ (બાળકોની તસ્કરી)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દાનાપુર-પુણે એક્સપ્રેસ (૦૧૦૪૦) દ્વારા બિહારથી મહારાષ્ટ્ર લાવવામાં આવતા ૫૯ બાળકને આરોપીઓના સકંજામાંથી છોડાવવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

આ બાળકોને તસ્કરી માટે ટ્રેન દ્વારા લાવવામાં આવી રહ્યા હતા અને તેમને સાંગલી અથવા પુણેની મદરેસામાં લાવવાની યોજના હતી. આ બાળકો સાથે ભાગી રહેલા પાંચ આરોપીની ધરપકડ કરી છે અને તેમની સામે આઈપીસીની કલમ ૪૭૦ હેઠળ કેસ નોંધ્યો છે. બચાવેલા કેટલાક બાળકોને નાશિકના ઉંટવાડી વિસ્તારમાં એક બાળ ગૃહમાં મોકલ્યા છે. ભુસાવળ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને રેલવે પોલીસની ટીમે બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી સાંગલી મદરેસામાં ટ્રાફિકિંગના આ કૃત્યનો પર્દાફાશ કર્યો હતો.

દાનાપુર-પુણે એક્સપ્રેસમાંથી તસ્કરી કરવામાં આવી રહેલા આ ૫૯ બાળકને ગઈકાલે ભુસાવળ અને મનમાડ સ્ટેશન વચ્ચે આ બનાવ બન્યો હતો. ભુસાવળ રેલવે પ્રોટેક્શન ફોર્સ, રેલવે પોલીસ ભુસાવળને દાનાપુર-પુણે એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાઈલ્ડ ટ્રાફિકિંગની ગુપ્ત માહિતી મળી રહી હતી. આ માહિતીના આધારે આરપીએફ અને રેલવે પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ભુસાવળની એક સામાજિક સંસ્થાના સહયોગથી દાનાપુર-પુણે એક્સપ્રેસ ટ્રેન ભુસાવલ પહોંચતા જ ટ્રેનમાં શોધખોળ કરી હતી. આ સર્ચ દરમિયાન આઠથી ૧૫ વર્ષના ૨૯ બાળકને આરપીએફ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બાળકોની સાથે એક શંકાસ્પદ વ્યક્તિને પણ આરપીએફે નીચે ઉતારીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, ત્યાર બાદ ભુસાવળ અને મનમાડ વચ્ચેની એક્સપ્રેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓ દ્વારા ફરી સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું.

આ સર્ચ ઓપરેશનમાં વધુ ૩૦ બાળકો અને ૪ શંકાસ્પદ શખસ મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમને મનમાડ રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા હતા. ભુસાવળ ખાતે ડ્રોપ કરાયેલા ૨૯ બાળકને જળગાંવ બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા હતા અને મનમાડ ખાતે ડ્રોપ કરાયેલા ૩૦ બાળકને નાસિક બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ મુદ્દે અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. પાંચ શંકાસ્પદ આરોપીઓ વિરુદ્ધ ભુસાવળ અને મનમાડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બાળકોના માતા-પિતા વિશે માહિતી મેળવવામાં આવી રહી છે. આ પછી, તેમને માતાપિતાને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.