ભાજપે સંસ્થાનો પર કબજો જમાવ્યો, દેશની આવી હાલત થશે વિચાર્યું પણ નહોતું : રાહુલ ગાંધીના પ્રહાર

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે ગુરુવારે એટલે કે આજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાનું લોક્સભા સભ્યપદ ગુમાવવા અંગે તેમની વાત રજૂ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે કદાચ ભારતમાં માનહાનિના સૌથી વધુ કેસ મારી સામે જ થયા હશે. મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ક્યારેય આવું થશે.

રાહુલે કહ્યું કે મેં હાલમાં મારો પરિચય સાંભળ્યો. તેમાં મને પૂર્વ સાંસદ તરીકે સંબોધવામાં આવ્યા. રાહુલે કહ્યું કે જ્યારે મેં ૨૦૦૪માં રાજકારણ શરૂ કર્યું હતું તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે દેશમાં આવી હાલત જોઈશ જે હાલ જોવા મળી રહી છે. લોક્સભા સભ્યપદ રદ થવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે પણ મને લાગે છે કે હવે મારી પાસે તક છે. કદાચ એ અવસર કરતાં પણ મોટી તક જે મને સંસદમાં બેસીને મળી હોત.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ ડ્રામાની શરૂઆત ૬ મહિના અગાઉ થઈ હતી. ભારતમાં વિપક્ષી દળો સંઘર્ષ કરી રહ્યા છે. સંસ્થાનો પર ભાજપે કબજો જમાવી રાખ્યો છે. અમે લોક્તાંત્રિક રીતે લડી રહ્યા છીએ. જ્યારે અમે જોયું કે કોઈ અમારી મદદ કરી રહ્યું નથી ત્યારે અમે માર્ગો પર ઊતરવાનો નિર્ણય લીધો અને તેનાથી જ ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ.

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે ૨૦૧૯માં આપેલા એક ભાષણ મામલે સુરતની કોર્ટે આ વર્ષે માર્ચમાં માનહાનિ મામલે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે રાહુલને ૨ વર્ષની સજા કરી હતી. તેના પછી રાહુલ ગાંધીનું લોક્સભા સભ્યપદ રદ થઈ ગયું.