મુંબઈ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એકવાર દાદા બન્યા છે. તેમના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અને શ્લોકા બીજી વખત પેરેન્ટ્સ બન્યા છે. અગાઉ ડિસેમ્બર ૨૦૨૦માં તેમને એક દીકરો થયો હતો, જેનું નામ પૃથ્વી છે.આકાશના મિત્ર ધનરાજ નથવાણીએ અંબાણી પરિવારમાં નવા મહેમાન વિશે માહિતી આપી. ધનરાજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર છે. તેમણે ટ્વિટર પર લખ્યું- આકાશ અને શ્લોકા અંબાણીને તેમની નાની રાજકુમારીના આગમન પર હાર્દિક અભિનંદન. આ અમૂલ્ય આશીર્વાદ તમારા જીવનમાં અપાર સુખ અને પ્રેમ લાવે.
આકાશ અને શ્લોકાના લગ્ન ૯ માર્ચ ૨૦૧૯ના રોજ થયા હતા. બંને શાળાના મિત્રો રહી ચૂક્યા છે. તેમણે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. શ્લોકાએ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીનો અભ્યાસ કર્યો છે. આ પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. આકાશ અને શ્લોકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં યોજાયું હતું. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી ચાલ્યું. આ ઉજવણીમાં ઘણી મોટી હસ્તીઓ પણ સામેલ થઈ હતી.
શ્લોકા રોઝી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. શ્લોકાના પિતા રસેલ મહેતા આ ડાયમંડ કંપનીના માલિક છે. બિઝનેસ લેડી હોવા ઉપરાંત શ્લોકા એક સોશિયલ વર્કર પણ છે. તેમણે ૨૦૧૫માં કનેક્ટફોર નામની એનજીઓ શરૂ કરી, જે જરૂરિયાતમંદોને શિક્ષણ, ખોરાક અને આશ્રય પ્રદાન કરે છે.
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ નવેમ્બરમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમના લગ્ન ચાર વર્ષ પહેલા આનંદ પીરામલ સાથે થયા હતા. ઈશા અને આનંદની દીકરીનું નામ આદિયા અને દીકરાનું નામ ક્રિષ્ના છે. મુકેશ અંબાણીના પરિવારમાં હવે ચાર નાના બાળકો છે.