મારી વિરુદ્ધના આરોપ પુરવાર થશે તો જાતે ફાંસી લગાવી દઇશ : બ્રિજભૂષણ

નવીદિલ્હી, સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપોને લઈને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચીફ અને સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ માટેનું આંદોલન જોર પકડી રહ્યું છે. આવી સ્થિતિમાં તેમણે વધુ એક વખત ગઈ કાલે તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે ‘જો મારી વિરુદ્ધ એક પણ આરોપ પુરવાર થશે તો હું મારી જાતે જ ફાંસી લગાવી દઇશ. જો તેમની (રેસલર્સ) પાસે કોઈ પુરાવા હોય તો અદાલતમાં રજૂ કરે અને હું કોઈ પણ સજા સ્વીકારવા માટે તૈયાર છું.’

દિલ્હી પોલીસના સોર્સિસને  ટાંકીને મીડિયા રિપોર્ટ્સ આવ્યા બાદ બ્રિજભૂષણે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી પોલીસને ફીમેલ રેસલર્સ દ્વારા મૂકવામાં આવેલા આરોપોને પુરવાર કરવા માટે કે પછી આ પૉલિટિશ્યનની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી. એક સિનિયર ઑફિસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં પોલીસને બ્રિજભૂષણની ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી. રેસલર્સના દાવાને સપોર્ટ કરતો કોઈ પુરાવો નથી.’

જોકે પોલીસે એના ટ્વિટર હૅન્ડલ પર એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘કેટલીક મીડિયા ચૅનલ્સ મહિલા રેસલર્સ દ્વારા કરવામાં આવેલા કેસમાં પોલીસ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા જઈ રહી હોવાના ન્યુઝ બ્રોડકાસ્ટ કરી રહી છે. એ ન્યુઝ સંપૂર્ણપણે ખોટા છે. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે.’