મુંબઇ, આઇપીએલ ૨૦૨૩માં ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો રહેલા ભારતીય બેટ્સમેન રુતુરાજ ગાયકવાડ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, રૂતુરાજ તેની ગર્લફ્રેન્ડ સાથે ૩ જૂને લગ્ન કરશે. જો રિપોર્ટ્સનું માનીએ તો રુતુરાજ તેના લગ્નને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઈંગ્લેન્ડ ગયો ન હતો. ગાયકવાડનો ભારતીય ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.
ૠતુરાજ ગાયકવાડની જેમ ઉત્કર્ષા પવાર પણ ક્રિકેટર છે. ઉત્કર્ષા પુણેની રહેવાસી છે. તેનો જન્મ ૧૩ ઓક્ટોબર, ૧૯૯૮ના રોજ થયો હતો. રુતુરાજે આઈપીએલની ફાઈનલ મેચ બાદ એક તસવીર શેર કરી હતી, જેમાં એક તરફ ચેન્નાઈનો કેપ્ટન ધોની અને બીજી તરફ તેની ગર્લફ્રેન્ડ ઉત્કર્ષા જોવા મળી રહી હતી. ગાયકવાડે આ તસવીરના કેપ્શનમાં લખ્યું, મારા જીવનના બે વીવીઆઈપી.
ઉત્કર્ષા વિશે વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, ઉત્કર્ષા ૧૧ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહી છે. અત્યારે તે મહારાષ્ટ્ર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. ઉત્કર્ષા ઓલરાઉન્ડર પ્લેયર છે. હાલમાં જ ૨૪ વર્ષની ઉત્કર્ષા મહિલા સિનિયર વનડે ટ્રોફીમાં જોવા મળી હતી. આ સિવાય ઉત્કર્ષા પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સમાંથી અભ્યાસ કરી રહી છે.
રુતુરાજ ગાયકવાડની જગ્યાએ આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂકેલા યશસ્વી જયસ્વાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયા સાથે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે જશે.
આઇપીએલ ૨૦૨૩માં ચેન્નાઈ સુપર કિંગ્સના રુતુરાજ ગાયકવાડ અને રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. બંને બેટ્સમેનોએ પોતાની ઝડપી બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા.