મુંબઇ, વિવાદો વચ્ચે પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરનારી ફિલ્મ ’કેરાલા સ્ટોરી’નો બીજો ભાગ બનાવવાનો સંકેત ફિલ્મ નિર્માતાઓએ આપ્યો છે. ફિલ્મના નિર્માતા વિપુલ શાહે આ વિષય હજુ અધૂરો છે તેમ જણાવી ફિલ્મના બીજા ભાગનો સંકેત આપ્યો હતો.
આ પહેલા પણ દિગ્દર્શક સુદીપ્તો સેને જણાવ્યું હતુ કે, ’ ધ કેરલ સ્ટોરી ’માં યુવકોને કઇ રીતે આ રવાડે ચડાવવામાં આવે છે, તેમને કઇ રીતે તાલીમો આપવામાં આવે છે તેના પર પ્રકાશ પાડતાં બીજો ભાગ બનાવી શકાય છે. ફિલ્મમાં ચોથી યુવતીને સીરિયાના પોલીસ મથકમાં દેખાડવામાં આવી છે. તેની અધૂરી વાર્તા બીજા ભાગમાં સમાવાય તેવી સંભાવના છે.
દરમિયાન, આ ફિલ્મ પરથી પશ્ર્ચિમ બંગાળમાં પ્રતિબંધ હટી ગયો છે. તેમ છતાં ત્યાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નથી. આ સંદર્ભમાં ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે કેટલાંક રાજ્યોમાં સરકારનું સમર્થન ધરાવતા શેરીઓના ગુંડાઓ સામે તેઓ કશું કરી શકે તેમ નથી. બંગાળ અને તમિલનાડુમાં આ ફિલ્મ દેખાડવા સામે થિયેટર માલિકોને ધમકી મળી રહી છે.