દાહોદ, દાહોદ જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઇ છે. કારણ કે, લોકસભાની ચુંટણીને હજી એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ સુષુપ્તાવસ્થામાં રાચી રહી છે. આવનાર સમયમાં ભાજપાનું અભિયાન વેગ પકડશે તેમ લાગી રહ્યુ છે.
દાહોદ જીલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં તમામ 6 અને સંસદીય મતવિસ્તારમાં સાતે સાત બેઠકો પર વિજય મેળવી લેતાં હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું શાસન આવાી ગયુ છે. કારણ કે આ પહેલાં ત્રણ બેઠકો કોંગ્રેસના કબ્જામાં હતી. તે ભાજપે ગત ચુંટણીમાં આંચકી લીધી હતી. હવે 2024માં લોકસભાની ચુંટણી દસ્તક દઇ રહી છે. ત્યારે ભાજપ વિધાનસભાની ચુંટણીના વિજય બાદ આળસ મરડીને ફરીથી મેદાનમાં આવી ગયુ છે. લોકસભાની ચુંટણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો શું થઇ ગયા છે અને નવનિયુક્ત સંગઠન પ્રભારી સતીષભાઇ પટેલ જીલ્લામાં છાશવારે મુલાકાતે પણ આવી રહ્યા છે.
તારીખ 30 મે થી 30 જૂન સુધી ઘર ઘર સંપર્ક ઝુંબેશની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. જેમાં સાસંદ જશવંતસિંહ ભાભોર, જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર દ્વારા પ્રવાસ કાર્યક્રમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રથમ દિવસે સાંસદ જશવંતસિંહ ભાભોરે ગરબાડા મત વિસ્તારમાં આશરે 8 કરોડના ખર્ચે 8 રોડ બનાવવા માટે સાગમટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સાંસદ જીલ્લા પંચાયતની તમામ બેઠકો દીઠ પ્રવાસ કરશે અને જનમેદનીને સંબોધી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા વિકાસકાર્યોથી માહિતગાર કરશે. ઉપરાંત જરૂરિયાત પ્રમાણેની સુવિધાઓ કેવી રીતે પુરી પાડવી તેનું આયોજન સ્થાનિક સ્તરેથી જ કરશે.
બીજી તરફ સાંસદ જશવંતસિંહ ભાભોર અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દાહોદથી ભુજ, ધાનપુર દાહોદ સહિત કુલ 6 નવીન રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. તે તમામ બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. દાહોદના ધારાસભ્ય સમક્ષ દાહોદ થી માતાના મઢ સુધીની બસ સેવા શરૂ કરવા માંગ કરાતા વાહન વ્યવહાર મંત્રીને પત્ર પાઠવી તે સેવા પુરી પાડવા ભલામણ કરાતા તે રૂટ મંજૂર કરાતા શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. દાહોદ-મુન્દ્રા પોર્ટ, પિટોલ-દાહોદ-ભુજ, દાહોદ-ઝાલોદ અને દાહોદ-ધાનપુર એમ આવવા જવાના કુલ 6 નવા રૂટ મંજૂર કરી દેેેવાયા છે. ત્યારે આવા ઘણાં માધ્યમોથી ભાજપાના પદાધિકારીઓ પ્રજાની વચ્ચે જઇ રહ્યા છે. તેની સાથે જ કાર્યકરોને પણ સજાગ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સામે પક્ષે કોંગ્રેસમાં આવી કોઇ પણ પ્રકારની હિલચાલ જણાતી નથી.
કેન્દ્ર સરકારે ગુજરાતમાં દાહોદ, આણંદ, બારડોલી, સુરેન્દ્રનગર અને પાટણ પાંચ બેઠકો પસંદ કરી તેને આકાંક્ષી બેઠક જાહેર કરવામાં આવી છે. આ બેઠક પર કેન્દ્ર સરકારના મંત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. તેના અનુસંધાને કેન્દ્રીય રાજ્ય શહેરી વિકાસ મંત્રી કૌશલ કિશોર સમગ્ર લોકસભા વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે, તેમજ આ માસ દરમિયાન પ્રબુધ્ધ નાગરિકોના, વિવિધ યોજનાના લાભાર્થીઓના સંમેલનો પણ યોજાશે અને કોઇ પણ એક કેન્દ્રીય નેતાની જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવશે તેવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે.