- જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે તેઓ પોતાના મેડલ ગંગામાં ન વહાવે. તમને આ મેડલ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની કૃપાથી મળ્યા નથી,
નવીદિલ્હી, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ હર કી પૌડી ખાતે તેમના મેડલ ગંગામાં વહાવવાનો નિર્ણય ટાળ્યો છે. કુસ્તીબાજો પોતાના મેડલ ગંગામાં વહાવવા માટે હરિદ્વાર પહોંચ્યાં હતાં. આ વાતની જાણ થતાં જ ખેડૂતનેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા.
કુસ્તીબાજો સાથે વાત કરીને તેમણે કેન્દ્ર સરકારને કાર્યવાહી માટે ૫ દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ટિકૈતે તેમની પાસેથી મેડલ અને મોમેન્ટોનું બંડલ પણ લઈ લીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ મેડલ રાષ્ટ્રપતિને આપી દેશે. તમામ ખેલાડીઓ હરિદ્વારથી ઘરે જવા રવાના થઈ ગયાં છે. આ પહેલા સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ લગભગ એક કલાક સુધી હર કી પૌડીમાં બેસીને મેડલ પકડીને રડતાં રહ્યાં હતાં.
આ કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ માટે જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરી રહ્યાં હતાં. રવિવારે પોલીસ સાથેની અથડામણ બાદ તેઓ જંતર-મંતરથી પરત ફર્યાં હતાં.કુસ્તીબાજ સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરશે. સાક્ષીએ લખ્યું- અમે આ મેડલ શુદ્ધતા સાથે હાંસલ કર્યા હતા. આ મેડલ પહેરીને તેજસ્વી સફેદ પ્રણાલી ફક્ત પોતાનો જ પ્રચાર કરે છે. પછી આપણું શોષણ કરે છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પરત નહીં કરે, કારણ કે તેમણે અમારી કોઈ કાળજી લીધી નથી.
દરમિયાન બ્રિજભૂષણ શરણ સિંહે ૫ જૂને અયોધ્યામાં મોટી રેલી બોલાવી છે, જેમાં સંતો ભાગ લેશે. બ્રિજભૂષણ અને સંતોનું કહેવું છે કે પોક્સો એક્ટનો ફાયદો ઉઠાવીને એનો દુરુપયોગ થઈ રહ્યો છે.
સાક્ષી મલિકની પોસ્ટની ૫ બાબત
૧. અમને ગુનેગાર બનાવી દીધા, શોષણ કરનાર હસતા રહ્યા. શું અમે મેડલ એટલા માટે જીત્યા હતા કે તંત્ર અમારી સાથે ખરાબ વર્તન કરી શકે છે. અમને ઢસડ્યા અને પછી ગુનેગાર બનાવી દીધા.
૨. મેડલ પરત કરવા અંગે સવાલ આવ્યો કે કોને પાછા આપીશું?, રાષ્ટ્રપતિ અને પીએમને પાછા આપવા માટે મન માન્યું નહીં. રાષ્ટ્રપતિએ કશું જ કહ્યું નહીં. વડાપ્રધાને અમને ઘરની દીકરીઓ ગણાવી, પરંતુ એકવાર પણ અમારી કાળજી લીધી નહીં.
૩. આ મેડલ હવે અમને જોઇતા નથી, કેમ કે એને પહેરાવીને અમને મુખોડા બનાવીને તંત્ર માત્ર પોતાનો પ્રચાર અને પછી અમારું શોષણ કરે છે. અમે એ શોષણ વિરુદ્ધ બોલ્યા ત્યારે અમને અરેસ્ટ કરવાની તૈયારી કરી લીધી.
૪. આ મેડલ આખા દેશ માટે જ પવિત્ર છે અને પવિત્ર મેડલને રાખવાની યોગ્ય જગ્યા માતા ગંગા જ હોઈ શકે છે.
૫. અપવિત્ર તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે અને અમે અમારું કામ કરી રહ્યા છીએ. હવે લોકોએ વિચારવું પડશે કે પોતાની દીકરીઓ સાથે ઊભા છે કે પછી આ દીકરીઓનું શોષણ કરનાર તંત્ર સાથે?
હરિયાણાના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કુસ્તીબાજોના નિર્ણય પર કહ્યું- હું આ ખેલાડીઓને અપીલ કરું છું જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે તેઓ પોતાના મેડલ ગંગામાં ન વહાવે. તમને આ મેડલ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની કૃપાથી મળ્યા નથી, પરંતુ તમારી વર્ષોની તપસ્યા અને ધ્યાનથી મળ્યા છે.
૨. ટિકૈતે કહ્યું- મેડલ દેશનું ગૌરવ છે, આવું પગલું ન ભરો
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું – આ મેડલ દેશ અને ત્રિરંગાનું ગૌરવ છે. અમે તમામ કુસ્તીબાજોને વિનંતી કરીએ છીએ કે આવું પગલું ન ભરે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વિનંતી છે કે તેઓ કુસ્તીબાજો સાથે જલદી વાત કરે.
૩. ગીતા ફોગાટે કહ્યું – આંસુ વહી ગયાં
દંગલ ગર્લ ગીતા ફોગાટે કહ્યું- દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે પોતાના દેશ માટે મેડલ જીતે અને વિદેશમાં પોતાના દેશનો તિરંગો લહેરાવે. આપણા કુસ્તીબાજો આજે એ જ મેડલ ગંગામાં વહાવશે એ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં.