નીંદર ઉડી ગઈ અને તે માત્ર વિચારતો રહ્યો કે જીટીને જીતાડવા માટે હજુ શું કરી શક્તો હતો.

  • આઇપીએલ ફાઇનલમાં અંતિમ ઓવર ફેંકનાર મોહિતે સંભળાવી આપવીતી.

મુંબઇ, ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ ૨૦૨૩ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સ ટાઈટલ ડિફેન્ડ કરવાની નજીક હતી પરંતુ તક ચુકી ગઈ. જીટીને ફાઇનલમાં અંતિમ ઓવરમાં ૧૩ રન ડિફેન્ડ કરવાના હતા પરંતુ ફાસ્ટ બોલર મોહિત શર્મા કરી શક્યો નહીં. તેણે ૨૦મી ઓવરના શરૂઆતી ચાર બોલમાં માત્ર ત્રણ રન આપ્યા, ત્યારબાદ સીએસકેનો શ્ર્વાસ અધર થઈ ગયો હતો. ચેન્નઈને અંતિમ બોલમાં ૧૦ રન બનાવવાના હતા. તેવામાં રવિન્દ્ર જાડેજાએ પોતાના પાંચમાં બોલ પર સિક્સ અને છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકારી ચેન્નઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવી દીધુ.

સોમવારે મોડી રાત સુધી ચાલેલી આ ફાઇનલ બાદ મોહિત ખુબ ભાવુક થઈ ગયો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને ગળે લગાવ્યો હતો. મોહિતે મંગળવારે ૨૦મી ઓવર ફેંક્યા બાદની આપવીતી સંભળાવી છે. તેણે કહ્યું કે, હાર બાદ તેની નીંદર ઉડી ગઈ અને તે માત્ર વિચારતો રહ્યો કે જીટીને જીતાડવા માટે હજુ શું કરી શક્તો હતો. મોહિતે તેનો ખુલાસો એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો છે. મહત્વનું છે કે ફાઈનલમાં વરસાદનું વિધ્ન આવ્યું હતું. જીટીએ ૨૦ ઓવરમાં ૨૧૪ રન ફટકાર્યા હતા. ત્યારબાદ વરસાદ આવ્યો હતો. ચેન્નઈને ૧૫ ઓવરમાં ૧૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

મોહિતે કહ્યું- હું સુઈ શક્યો નહીં. વિચારી રહ્યો હતો કે શું અલગ કર્યું હોત તો મેચ જીતી જાત. શું થાય જો મેં આ રીતે બોલ ફેંક્યો હોત? અત્યારે સારૂ લાગી રહ્યું નથી. એવું લાગી રહ્યું છે કે કંઈક મિસિંગ છે. પરંતુ હું આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેણે ૨૦મી ઓવરને લઈને કહ્યું- હું જે કરવા ઈચ્છતો હતો તેને લઈને મારા મગજમાં ક્લિયર હતું. નેટ્સમાં મેં આવી પરિસ્થિતિની પ્રેક્ટિસ કરી હતી. હું પહેલાં પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યો છું. તેવામાં મેં કહ્યું કે મારે દરેક બોલ યોર્કર ફેંકવા જોઈએ. મેં ખુદને બેક કર્યો.

તેમણે આગળ કહ્યું કે તે માત્ર પગની પાસે સટીક યોર્કર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેમ થયું નથી. તેમણે કહ્યું- હું દોડ્યો અને ફરીથી યોર્કરનો પ્રયાસ કર્યો. હું સંપૂર્ણ રીતે ફોકસ્ડ રહેવા ઈચ્છતો હતો. મેં આઈપીએલ દરમિયાન આ કર્યું. પરંતુ બોલ ત્યાં પડ્યો જ્યાં નહોતો પડવો જોઈતો. ત્યારબાદ જાડેજાએ બેટ અડાળી દીધું. મેં મારા તરફથી સંપૂર્ણ પ્રયાસ કર્યો. નોંધનીય છે કે મોહિત પાછલા વર્ષે ગુજરાતની સાથે નેટ બોલર તરીકે જોડાયો હતો. તેણે આ વર્ષે જીટી માટે ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં તે દિલ્હી કેપિટલ્સ અને સીએસકે માટે રમી ચુક્યો છે. તેણે આઈપીએલમાં ૧૦૦ મેચમાં ૧૧૯ વિકેટ ઝડપી છે.

મોહિતે સીએસકે વિરુદ્ધ ફાઈનલમાં જીટી માટે સર્વાધિક વિકેટ ઝડપી હતી. તેણે ૩ ઓવરમાં ૩૬ રન આપી ત્રણ મહત્વની સફળતા મેળવી હતી. મોહિતે અજિંક્ય રહાણે, રાયડૂ અને ધોનીને પેવેલિયન પરત મોકલ્યા હતા. મોહિત ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ લેનારા બોલરોમાં બીજા સ્થાને રહ્યો. મોહિત શર્માએ ૧૪ મેચમાં ૨૭ વિકેટ ઝડપી હતી.