મુસલમાનો પર અત્યાચાર : ચીનમાં મસ્જિદ તોડવા ગયેલી પોલીસ અને લોકો વચ્ચે હંગામો

બીજીંગ, ચીનના દક્ષિણ-પશ્ર્ચિમ ક્ષેત્રમાં સ્થિત મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે આ વિસ્તારમાં સદીઓ જૂની મસ્જિદની ગુંબજવાળી છત તોડવા માટે સ્થાનિક પોલીસ આવી હતી. જેને રોકવા માટે સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

મસ્જિદની ગુંબજવાળી છત તોડવા આવેલા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શનિવારે સવારે નજિયાઈંગ મસ્જિદના ગેટ પાસે પોલીસ અને સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. આ દરમિયાન પોલીસને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

આખરે લોકોના વિરોધના દબાણમાં પોલીસે પીછેહઠ કરી હતી. આ પછી વિરોધીઓએ ગેટની બહાર ધરણા કર્યા હતા. ધ વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, આ ઘટના વર્ષ ૨૦૨૦ સંબંધિત કોર્ટના નિર્ણયથી સંબંધિત છે, જેમાં મસ્જિદના કેટલાક ભાગોને ગેરકાયદેસર ગણીને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નાઝિયાઈંગ મસ્જિદનો ઈતિહાસ ઘણો જૂનો છે. ઈતિહાસકારોના મતે તેનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું. તાજેતરના વર્ષોમાં મસ્જિદમાં સંખ્યાબંધ કામો થયા છે, જેમાં ઇમારતો, ચાર મિનારા અને ગુંબજવાળી છત બનાવવામાં આવી છે.મસ્જિદના એક ભાગને વર્ષ ૨૦૧૯માં સંરક્ષિત સાંસ્કૃતિક અવશેષ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો હતો. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ તાજેતરના દિવસોમાં ધામક પ્રથાઓ પરના તેના પ્રતિબંધોને વધુ તીવ્ર બનાવ્યા છે.