અમદાવાદ: તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ફરી વિવાદમાં, કેમ વિદ્યાર્થીઓ નિરાશ થયા?

અમદાવાદ : ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનનો અભાવ સામે આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના તેજસ્વી તારલાઓને સન્માન સમારોહનું કોઈ જ આયોજન નહીં થતાં વિદ્યાર્થીઓએ વીલા મોઢે પાછા ફરવાની ફરજ પડી હતી. જોકે ટાગોર હોલમાં જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમદાવાદના મેયરે ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું કે, અમે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનનો કોઈ કાર્યક્રમ કરતા જ નથી.

અમદાવાદમાં તેજસ્વી તારલાઓના સન્માન માટે કોઈ કાર્યક્રમ નહી રખાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આમ, એએમસીનો ફરી આયોજનનો અભાવ સામે આવ્યો છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ ન યોજાતા વિદ્યાર્થીઓ ટાગોર હોલ આવી પરત ફર્યા છે.

સામાન્ય રીતે દર વર્ષે ૧૨ સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ધોરણ-૧૦ના પરિણામ સમયે ટાગોર હોલમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સનમાન કરવાનો કાર્યક્રમ યોજાતો હોય છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે દર વર્ષે જે રીતે વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે તે રીતે અમારા સર અમને અહીં લઈને આવ્યા હતા પરંતુ અહીં જાણવા મળ્યું કે અહીં કોઈ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી, જેથી અમને નિરાશા જેવું લાગે છે.

બીજી તરફ તેજસ્વી તારલાઓના સન્માન અંગે મેયરના ગોળગોળ જવાબ જોવા મળ્યો. તેઓએ જણાવ્યું કે અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી, વિદ્યાર્થીઓ એમની રીતે આવ્યા છે. બધા વિદ્યાર્થીઓને ન્યાય મળે એ રીતે આયોજન કરીશું. થોડા વિદ્યાર્થીઓના સન્માનમાં અન્ય વિદ્યાર્થીઓ રહી ના જાય એવો અમારો પ્રયત્ન રહેશે. અમે ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સના બાળકોનું સન્માન કર્યું છે સામાન્ય પ્રવાહનું ક્યારેય આયોજન નથી કરતા. આ વિદ્યાર્થીઓ માટે આગામી સમયે નવો કાર્યક્રમ રાખવામાં આવશે.

મહત્વનું છે કે ધોરણ ૧૨ સાયન્સના પરિણામ સમય પણ તંત્રનો આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ ધોરણ-૧૦ ના પરિણામ સમયે પણ સન્માનનો કાર્યક્રમ ટાગોર હોલની જગ્યાએ બોડકદેવના પંડિત દિન દયાળ હોલમાં રાખવામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓમાં નારાજગી જોવા મળી હતી.