પૂંછમાં એલઓસી પાસે ૩ ઘૂસણખોરો ઝડપાયા:૧૦ કિલો આઇઇડી,એકે-૪૭ સહિત વિશાળ માત્રામાં હથિયારો અને ડ્રગ્સ મળી આવ્યા

શ્રીનગર, ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કરમર્હા સેક્ટરમાં એલઓસી નજીક ત્રણ આતંકવાદીઓને પકડી પાડ્યા છે. આ ત્રણેય ૩૦ મેની રાત્રે ખરાબ હવામાન અને વરસાદનો ફાયદો ઉઠાવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાના જવાનોએ ફેન્સિંગ પાર કરી રહેલા ત્રણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો.

સેનાએ તેમની પાસેથી ૧૦ કિલો આઇઇડી એકે-૪૭ સહિત વિશાળ માત્રામાં હથિયારો અને ડ્રગ્સ જપ્ત કર્યા છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા એક આતંકીની પૂંછની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.ડિફેન્સ પીઆરઓએ પ્રેશર કૂકરની તસવીર જાહેર કરી છે, આતંકવાદીઓ તેમાં ૧૦ કિલો આઇઇડી લાવ્યા હતા.મંગળવારે રાત્રે એલઓસી પર હિલચાલ થયા બાદ સેનાએ શોધખોળ શરૂ કરી હતી.

પૂંછના ગુલપુર વિસ્તારના કરમારા ગામમાં એલઓસી પર સેના દ્વારા શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ પછી, જવાનોએ લગભગ ૪ વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સેનાની કાર્યવાહી જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું, જવાબી ફાયરિંગમાં એક ઘુસણખોરને પગમાં ગોળી વાગી. ફાયરિંગમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.

ત્રણેય આતંકીઓ કરમારાના રહેવાસી છે

ઘૂસણખોરોની ઓળખ મોહમ્મદ ફારૂક (૨૬), મોહમ્મદ રિયાઝ (૨૩) અને મોહમ્મદ ઝુબેર (૨૨) તરીકે કરવામાં આવી છે. તમામ કરમારાના રહેવાસી છે. ફારૂકના પગમાં ગોળી વાગી છે. સેનાના જણાવ્યા અનુસાર, આ ત્રણેયને સરહદ પારથી હથિયાર અને ડ્રગ્સનો કન્સાઈનમેન્ટ મળ્યો હતો. જ્યારે સૈનિકોએ તેમને રોક્યા ત્યારે તેઓ દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.તેમની પાસેથી એકે રાઈફલ, બે પિસ્તોલ, છ ગ્રેનેડ, પ્રેશર કૂકરમાં રાખવામાં આવેલ આઈઈડી અને હેરોઈનના ૨૦ પેકેટ મળી આવ્યા હતા.