હાલોલ, પંચમહાલ જીલ્લાના હાલોલ માં ઉત્સવકુમાર શૈલેષભાઈ શાહ કે જે મધરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં IPL ની મેચ જોઈ મોબાઈલ ઘરે મુકી એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો. જે મોડા સુધી ઘરે પરત નાં આવતાં પરિવારજનો હાલોલ નગરમાં તપાસ કરી હતી, પરંતુ ઉત્સવ મળી આવ્યો ન હતો.
ત્યારબાદ પરિવાર જનોએ હાઇવે રોડની હોટલોમાં તપાસ કરતા કરતા વાઘોડીયા તાલુકાના હાલોલ જરોદ ટોલરોડની મધ્યમાં ખંડીવાડા ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલ ઉપર આવ્યાં હતાં. જ્યાં કેનાલના બ્રિજ પાસે ઉત્સવકુમાર જે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો. તે એક્ટિવા મળી આવી હતી.
ચાવી પણ એક્ટિવામાં હોવાથી શંકા ગઈ હતી કે ઉત્સવકુમાર નર્મદા કેનાલનાં પાણીમાં કુદી તો નથી પડ્યો ને. જેથી સવાર સુધી તે લોકોએ કેનાલની આસપાસનાં વિસ્તારમાં ઉત્સવકુમારની તપાસ કરી પણ મળી આવ્યો ન હતો. ત્યારબાદ સવારે સ્થાનિક પોલીસ તેમજ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ કેનાલ ઉપર આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમને અડધો કલાકમાં ઉત્સવકુમારની લાશ સરનેજ(તા.વાઘોડીયા) ક્રોસિંગ ગેટ નજીકથી મળી આવી હતી. જરોદ પોલીસે લાશને જરોદ રેફરલ હોસ્પિટલમાં પોસ મોર્ટમ માટે મોકલી આપી. ઉત્સવ કયા કારણોસર નર્મદા કેનાલના પાણીમાં કુદી પડ્યો તે બાબતે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.