રાજ્યમાં પવનની તોફાની બેટિંગ , ભારે પવન ફૂંકાતાં અનેક મકાનોનાં પતરાં ઊડ્યાં, ચાની કીટલીની ખુરસીઓ હવામાં ફંગોળાઈ

અમદાવાદ, હવામાન વિભાગની અગાહીને લઇ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ બેટિંગ કરી રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પવનની તોફાની બેટિંગ સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને લઇને વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઊડી રહી છે. તો પાટણમાં ઘરનાં પતરાં અને બેસવા માટેની ખુરશી ઊડતી જોવા મળી હતી.

રાજ્યની ફરતે એક્સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ રાજ્યને ધમરોળી રહ્યો છે. રવિવાર સાંજે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સોમવારે પણ કમોસમી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. તો આજે વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે સવારના ૧૦ વાગ્યા પછી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

પાટણ જિલ્લમાં હવામાન વિભાગની અગાહીને પગલે મંગળવારે સવાર ૧૦ વાગ્યાથી જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક મકાનોનાં પતરાં ઊડ્યાં હતાં અને ચાની કીટલી અને હોટેલની ખુરસીઓ ઊડી હતી. તો ધારપુર મેડિકલ કોલેજના શેડનાં પતરાં ઊડતાં ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ અણધારી આફતના કારણે ખેડૂતોને ભારે નુક્સાન પહોચ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં પવનના સૂસવાટા વચ્ચે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રણમાં મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સિઝનમાં જોરદાર વાવાઝોડાથી અગરિયા સમુદાય મુસીબતમાં મુકાયો છે. પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ સૂસવાટા મારતા પવન સાથે જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં રણમાંથી મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સિઝનમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા હતા.

બીજી બાજુ રણમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે રસ્તા દેખાવાનું પણ બિલકુલ બંધ થઇ જતાં રણમાં મીઠું ખેંચતા ડમ્પર અને ટ્રકચાલકો પણ કફોડી હાલતમાં મુકાયા હતા અને રસ્તામાં સાઇડમાં વાહનો ઊભાં રાખીને તોફાન શાંત થવાની પ્રતીક્ષામાં લાગ્યા હતા. જ્યારે રણકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડાના કારણે વીજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશાયી થવાની સાથે કેટલીક જગ્યાએ પતરાઓ ઊખડી જવાના બનાવો પણ સામે આવ્યા છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ચરોતરની વાત કરીએ તો ચરોતરમાં ખેડૂતો ખાસ કરીને હાલમાં બાજરીનો પાક કર્યો છે. ઘણા ખેડૂતોની બાજરી કાપીને હાલમાં ખેતરમાં પડી છે. ત્યારે સવા ઈંચ વરસાદ પડતાં આ બાજરીના પાકને નુક્સાન થયું છે. જોકે, જેમની બાજરી ઊભી છે તેવા ખેડૂતોને નુક્સાન નથી, પરંતુ કાપેલી બાજરીને નુક્સાન છે તો બીજી બાજુ આંબાની કેરીઓ પડી ગઈ છે.

કચ્છ અને ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તો કંડલા પોર્ટ પર પવનના જોરથી ક્રેઈન આપોઆપ ખસકી હતી અને ચાર ક્રેઈનો એકબીજા સાથે ટકરાઈ હતી. જોકે, કાર્ગો હેલ્લિંગ ન હોવાના લીધે મોટી નુક્સાની ટળી હતી. કચ્છના ગાંધીધામ, આદિપુર, અંજાર અને કંડલામાં બપોર બાદ મિની વાવાઝોડા જેવી સ્થિતી સર્જાઈ હતી.બપોર બાદ રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી અને જેતપુર પંથકમાં કરા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. જેતપુરમાં ભારે પવનને કારણે પતરાં ઊડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને ૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.બીજી બાજુ અંજાર શહેરમાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના સામે આવી હતી. અંજારના મોડસર ગામે વીજળી પડતાં ૨૮ જેટલાં પશુઓનાં મોત થયાં હતાં. તો બીજી ઘટનામાં બંધ મકાનમાં વીજળી પડતા અંદર રહેલી ઘરવખરી અને એક વાહન બળીને ખાખ થઈ ગયાં હતાં.