પાકિસ્તાની જેલમાં ૨૬/૧૧ હુમલામાં સામેલ આતંકવાદીનું મોત: લશ્કર-એ-તૈયબાનો મેમ્બર હતો અબ્દુલ સલામ ભુટ્ટાવી

ઇસ્લામાબાદ : ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાના પ્લાનિંગમાં સામેલ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું પાકિસ્તાનની જેલમાં હાર્ટ-એટેકથી મોત થયું છે. તે ટેરર ફંડિંગ કેસમાં જેલની સજા ભોગવી રહ્યો હતો. ૨૦૨૦માં તેને લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના સાળા અબ્દુલ રહેમાન મક્કીની સાથે સાડા ૧૬ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ભારતની ગુપ્તચર એજન્સીઓએ પણ ભુટ્ટાવીના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ભુટ્ટાવીનું સોમવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની શેખપુરા જેલમાં મોત થયું. તેના અંતિમસંસ્કાર મંગળવારે લાહોરમાં કરવામાં આવ્યા છે. ૨૦૧૧માં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પણ ભુટ્ટાવી પર પ્રતિબંધો લાદ્યા હતા, તેના પર આતંકવાદી હુમલાઓ માટે ફંડ એકઠું કરવાનો અને આતંકવાદીઓની ભરતી કરવાનો આરોપ હતો. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું- ભુટ્ટાવીએ પોતાનાં ભાષણો અને ફતવા જારી કરીને આતંકવાદીઓને મુંબઈ પર હુમલો કરવા માટે તૈયાર કર્યા હતા.

૨૦૧૨માં યુએન સુરક્ષા પરિષદે ભુટ્ટાવીને આતંકવાદી જાહેર કર્યો હતો. ૨૦૦૨-૨૦૦૮ વચ્ચે, જ્યારે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદને પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યો હતો ત્યારે ભુટ્ટાવીને આતંકવાદી સંગઠનનો વડા બનાવવામાં આવ્યો હતો. એ જ સમયે ૨૦૦૮માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. એને ૧૦ આતંકવાદીએ એક્સાથે અંજામ આપ્યો હતો. આ હુમલામાં ૧૬૬ લોકોનાં મોત થયાં હતાં. મૃત્યુ પામનારાઓમાં અમેરિકા અને બ્રિટનના નાગરિકો પણ સામેલ હતા.

૨૬ નવેમ્બર ૨૦૦૮ની રાત્રે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ૧૦ આતંકવાદી કોલાબાના દરિયા કિનારેથી બોટ મારફત ભારતમાં પ્રવેશ્યા હતા. તેઓ સંપૂર્ણ સશસ્ત્ર હતા. અહીંથી આ તમામ આતંકવાદીઓ બે જૂથોમાં વહેંચાઈ ગયા અને અલગ-અલગ દિશામાં આગળ વધ્યા.

બે આતંકવાદીએ દક્ષિણ મુંબઈના કોલાબામાં લિયોપોલ્ડ કાફેને નિશાન બનાવ્યું, બે આતંકવાદીએ નરીમાન હાઉસને નિશાન બનાવ્યું, જ્યારે બાકીના આતંકવાદીઓ બે-બેનાં જૂથોમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ , હોટલ ટ્રાઈડન્ટ, ઓબેરોય અને તાજ હોટલ તરફ આગળ વધ્યા હતા.

આતંકવાદીઓએ તરત જ નિશસ્ત્ર અને નિર્દોષ લોકો પર ફાયરિંગ અને બ્લાસ્ટ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ પ્રશાસન જાગ્યું અને તેમની સાથે કામ કરવા માટે કેન્દ્ર તરફથી ૨૦૦ એનએસજી કમાન્ડોને મોકલવામાં આવ્યા, ૫૦ આર્મી કમાન્ડો પણ આ ઓપરેશનમાં સામેલ થયા. આ સિવાય સેનાની પાંચ ટુકડી પણ ત્યાં મોકલવામાં આવી હતી.