
નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ મામલે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે.
દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સીબીઆઈ કેસમાં આ નિર્ણય આપ્યો છે. વાસ્તવમાં આપનેતા મનીષ સિસોદિયાએ નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેના પર દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.
સીબીઆઇએ દિલ્હીના પ્રખ્યાત લિકર પોલિસી કેસમાં ૧૫ લોકોને આરોપી બનાવ્યા છે, પરંતુ દિલ્હી સરકારમાં વરિષ્ઠ મંત્રી મનીષ સિસોદિયાનું નામ સૌથી ઉપર છે. સિસોદિયાની ધરપકડ કરવામાં આવી ત્યારથી તેમની સામેના આરોપોની ચર્ચા થઈ રહી છે. આ કથિત કૌભાંડમાં કેટલાક લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ સમગ્ર મામલો નવી એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલો છે, જે બાદ બે વર્ષ પહેલા દિલ્હીમાં દારૂ સસ્તો થયો હતો. દારૂના લાયસન્સની વહેંચણીમાં ગોટાળાના આક્ષેપો થયા હતા. એલજીએ મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો અને ત્યારબાદ સીબીઆઈ તપાસ શરૂ થઈ હતી.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. EDએ એક દિવસ પહેલા નવી ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને અલગ-અલગ માધ્યમો દ્વારા ૬૨૨.૬૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. દિલ્હીની નવી આબકારી નીતિ હેઠળ જે ચેનલો દ્વારા તેમને પૈસા મળ્યા હતા તેમાં પીઓસી ક્રેડિટ નોટ્સ, હવાલા ચેનલ અને ડાયરેક્ટ કિકનો સમાવેશ થાય છે.