
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સોમવારે મોડી સાંજે આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ દીપુ તરીકે થઈ છે. દીપુ જમ્મુના ઉધમપુરનો રહેવાસી હતો અને અનંતનાગમાં સર્કસ મેળામાં કામ કરતો હતો. ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં દીપુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે અંતિમ શ્ર્વાસ લીધો હતો. હાલ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના બાદ તરત જ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં ફોર્સ વધારી દીધી હતી.
આ ઘટનાની નિંદા કરતા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું, અનંતનાગમાં એક નિર્દોષ નાગરિક પર થયેલા બીજા હુમલાથી ખૂબ દુ:ખ થયું છે. દુખની આ ઘડીમાં મારા વિચારો પરિવાર સાથે છે. આ ભારત સરકારની નીતિ વિશે ઘણું કહે છે જે J&Kમાં ભારે નિષ્ફળ રહી છે.
આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવવાનો આ પહેલો કિસ્સો નથી. ફેબ્રુઆરીમાં આતંકવાદીઓએ પુલવામામાં એક કાશ્મીરી પંડિતની હત્યા કરી હતી. મૃતક સંજય શર્મા પોતાના ગામમાં ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. તે સવારે ફરજ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારબાદ આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો અને તે મૃત્યુ પામ્યો.
ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના બે મજૂરોને શોપિયાંમાં આતંકવાદીઓએ માર્યા હતા. શોપિયાંના હરમનમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં મોનીશ કુમાર અને રામ સાગર નામના બે મજૂરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં બિહારના એક પરપ્રાંતિયને આતંકવાદીઓએ ઠાર માર્યો હતો. બિહારના મધેપુરાના ૧૯ વર્ષીય વણકર મોહમ્મદ અમરેજને આતંકવાદીઓએ ઠાર માર્યા હતા.