ભાવનગર, રાજ્ય સરકારની શિક્ષણનો વ્યાપ વધે તે માટેની વિવિધ યોજનાઓમાં બોગસ રેકર્ડ, ખોટા વિદ્યાર્થીઓ ઊભા કરી ૧૪ શખ્સો દ્વારા પાલિતાણા તાલુકાની ૧૦ શાળાઓમાં રૂા.૨૭ લાખનું કૌભાંડ આચર્યુ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તંત્રની તપાસમાં ગેરરીતિઓ થઈ હોવાનું બહાર આવ્યું હોવા છતાં સરકાર કક્ષાએ રાજકિય દબાણને કારણે કોઈ પગલા લેવાયા નથી. ૧૪ શખ્સોએ ભેગા મળી આચરેલી આ પ્રકારની ગેરરીતિઓ અન્ય શાળાઓમાં ચાલે છે કે કેમ ? તે અંગે તપાસ થાય તો કરોડો રૂપિયાની ગેરરીતિ બહાર આવે તેવી શકયતા છે.
સરકારની એસ.ટી.પી. સીઝનલ હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટેશન યોજનામાં પાલિતાણા તાલુકાની વીરપુર, સગાપરા, લુવારવાવ, જાંબાળા-૧, આદપુર, જાળીયા, દુધાળા, કુંભણ સહિતની શાળાઓમાં વર્ષ ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ દરમિયાન બીઆરસી, સીઆરસી, આચાર્ય, સમગ્ર શિક્ષા કચેરીના ૧૪થી વધી લોકોએ ભેગા મળી સરકારી ગ્રાંટના ૨૭ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે. જે બાળકોના વાલીઓ ધંધાર્થે કે મજુરી માટે બહાર જતા હોય તેવા બાળકોને રહેવા જમવાની સુવિધા આપવા સરકારની સીઝનલ હોસ્ટેલની યોજના છે.
સીઝનલ હોસ્ટેલમાં મકાન ભાડે રાખી, બે ગૃહપતિની નિમણુંક કરી, ૨ રસોઈયા, ચોકીદાર, પટ્ટાવાળાની ભરતી કરી તેના પૈસા ચુકવવાના હોય છે.હસ્તગીરી જાળીયા, દુધાળા અને જામવાળી નં.૧માં સીઝનલ હોસ્ટેલ શરૂ કર્યા વગર જ માત્ર કાગળ પર આવી હોસ્ટેલ ચાલુ હોવાનું બતાવી અંદાજે ૨૨ લાખથી વધુ સરકારી રકમની ગ્રાંટ મેળવી હોવાનું બહાર આવ્યું છે. એજ રીતે જે ગામમાં આગળના વર્ગની ભણવાની સુવિધા ન હોય તેવા વિદ્યાર્થીઓને બાજુના ગામમાં ભણવા મોકલવા સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે. આ યોજનામાં આદપર, દુધાળા અને હસ્તગીરીમાં ખોટા વિદ્યાર્થી બતાવી, ખોટા વાઉચર ઊભા કરી સરકારી ગ્રાંટ મેળવી લેવામાં આવી છે.બીઆરસી, સીઆરસી, આચાર્ય એસ.એસ.એ. સરકારી ગ્રાંટમાંથી ખોટી રીતે પૈસા મેળવ્યાનું બહાર આવવા છતાં આ ભ્રષ્ટાચાર બાબતે કોઈ પગલા લેવાયા નથી.
પ્રાથમિક શાળાઓમાં ચાલતી ગેરરીતિઓ અંગે પાલિતાણાની જ પ્રાથમિક શાળાના આચાર્ય ધીરૂભાઈ ચૌહાણે કરેલી ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ દ્વારા ૭ ફેબ્રુઆરીએ રાજ્ય સરકારને મોકલેલા રીપોર્ટમાં નિયમોના ભંગ, ઓડિટ ન થવું, સીઆરસી, બીઆરસીએ અને જિલ્લાના એઆઈએન્ડ વીઈ કો-ઓર્ડીનેટર દ્વારા ફરજ ન બજાવી હોવાનો સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરને રીપોર્ટ મોકલાયા બાદ પણ સરકાર તરફથી આ કૌભાંડીઓ સામે પગલા લેવાનો કે ફોજદારી ફરિયાદ કરવાનો કોઈ આદેશ થયેલ નથી. ઈન્ચાર્જ ડીઈઓ મનસુખભાઈ બોરીચાએ કહ્યું કે આ ઘટનાની તપાસ થઈ છે અને દોષિત હશે તેને અચુક સજા થશે. હાલ આ અંગે વિશેષ કહેવાથી તપાસને અસર થશે.