આઇપીએલ ૨૦૨૩ની ફાઇનલમાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ, મોડી રાત સુધી ૩૨ મિલિયન લોકોએ મેચ જોઈ

અમદાવાદ, ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ દરમિયાન આઇપીએલ ૨૦૨૩ના સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર જીયો સિનેમાએ વિશ્ર્વ ડિજિટલ વ્યૂઅરશિપ રેકોર્ડ તોડ્યો. આ મેચ રાત સુધી રમાઈ હતી અને કરોડો ચાહકો આ મેચ માટે જાગ્યા હતા.

આઇપીએલ ૨૦૨૩ ની ફાઇનલ મેચ જીયો સિનેમા પર એક સાથે ૩૨ મિલિયન લોકોએ જોઈ હતી, જે વિશ્ર્વમાં લાઇવ સ્ટ્રીમિંગ ઇવેન્ટની સૌથી વધુ વ્યૂઅરશિપ છે.આઇપીએલ ૨૦૨૩ ના ક્વોલિફાયર ૨ દરમિયાન, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની પ્રથમ ઇનિંગમાં શુભમન ગિલની શાનદાર સદીના સાક્ષી બનવા માટે જીયો સિનેમા પર એક સાથે મેચ જોવા માટે રેકોર્ડ ૨.૫૭ કરોડ દર્શકો જોવા માટે આવ્યા હતા.

આઇપીએલના ભૂતપૂર્વ ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર ડિઝની હોટસ્ટારે જુલાઈ ૨૦૧૯માં ક્રિકેટ મેચ માટે એક સાથે ૨૫ મિલિયનથી વધુ દર્શકોને આકર્ષ્યા હતા. ઘણા વર્ષો સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. એટલું જ નહીં, ૧૭મી એપ્રિલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાઇ ઓક્ટેન રન ચેઝમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એમએસ ધોનીના સીએસકેને સમર્થન આપવા માટે લગભગ ૨.૪ કરોડ દર્શકો એકઠા થયા હતા.

જીયો સિનેમા ડિજિટલ સ્પોર્ટ્સ જોવાની દુનિયામાં વૈશ્ર્વિક બેન્ચમાર્ક સેટ કરવાનું ચાલુ રાખ્યું છે. આ વર્ષની આઇપીએલના પ્રથમ સાત સપ્તાહમાં ૧,૫૦૦ કરોડથી વધુ વીડિયો જોવામાં આવ્યા હતા.આઇપીએલની ૧૬મી આવૃત્તિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વરસાદથી પ્રભાવિત ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવીને તેમનું પાંચમું આઇપીએલ ટાઇટલ જીત્યું હતું.