અમદાવાદ, વરસાદ, રિઝર્વ ડે, અને ડકવર્થ લુઈસ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેન્નાઈએ આ મેચમાં ગુજરાતને ધાકડ અંદાજમાં હરાવ્યું. મેચનો સૌથી મોટો હીરો રવિન્દ્ર જાડેજા બની ગયો. જેણે છેલ્લા બે બોલમાં ૧૦ રન ફટકારી દીધા. પોતાની ટીમને જીતાડતાની સાથે જ રવિન્દ્ર જાડેજા પેવેલિયન તરફ દોડ્યો હતો. ત્યારબાદ ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ પણ મેદાન બાજુ આવી ગયા.
રવિન્દ્ર જાડેજાએ આ ઈનિંગ દ્વારા જતાવી દીધુ કે તેઓ અંડર પ્રેશર મેચો માટે શાનદાર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાએ જેવા મોહિત શર્માના બોલ પર ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો કે તેનો જોશ જેવા જેવો હતો. ત્યારબાદ તે સીધો ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફ ભાગ્યો. ધોનીએ પણ તેને ઊચકી લીધો. આઈપીએલ ૨૦૨૩માં આ પળો જોઈને અનેક ફેન્સની આંખો પણ છલકાઈ ગઈ. આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધોની અને જાડેજા વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી પરંતુ મેચ જીત બાદ ધોનીએ જે રીતે જાડેજાને ઉચકી લીધો ત્યારે આ બંન્ને વચ્ચે કોઇ મતભેદ હોય તેવું લાગ્યું નહીં.
છેલ્લી પળ સુધી એવું લાગતું હતું કે મેચ ગમે તે તરફ પલટી શકે છે. પણ છેલ્લા બે બોલ પર ચેન્નાઈ માટે જીતવા જે ૧૦ રન કરવાના હતા ત્યારે સર રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો. તેણે મોહિત શર્માના બોલ પર પહેલા છગ્ગો અને ત્યારબાદ ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને ફાઈનલમાં જીતાડ્યું.
સીએસકેએ જેવી ફાઈનલમાં જીત મેળવી કે દર્શકો ભાવુક થયેલા જોવા મળ્યા. અનેક લોકોની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. જેણે સાબિત કર્યું કે એમએસ ધોની માટે દર્શકોના મનમાં એક ખાસ પ્રકારનું અપનાપણું છે. મેચ બાદ એક છોકરી તો રોવા લાગી જેને વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.