અમદાવાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટથી હરાવીને ૫મી વખત આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ થઈ. આ જીત સાથે જ સીએસકેની ટીમે પોતાના એક ધાકડ ખેલાડીને જીત સાથે વિદાય આપી. આ ખેલાડીએ મેચ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફાઈનલ મેચમાં આ ખેલાડીએ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતમાં એક મહત્વની ભૂમિકા ભજવતા ભલે નાનકડી પરંતુ વિસ્ફોટક ઈનિંગ રમી.
આઈપીએલ ૨૦૨૩ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના ધાકડ બેટર અંબાતી રાયડુની આઈપીએલ કરિયરની છેલ્લી મેચ હતી. અંબાતી રાયડુએ ફાઈનલ મેચ પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફાઈનલ મેચમાં અંબાતી રાયડુના બેટથી એક વિસ્ફોટક ઈનિંગ નીકળી. તેમણએ ૮ બોલમાં ૨૩૭.૫૦ ના સ્ટ્રાઈક રેટથી ૧૯ રન કર્યા. આ દરમિયાન એક ચોગ્ગો અને ૨ છગ્ગા માર્યા.
ફાઈનલ મેચ જીત્યા બાદ અંબાતી રાયડુએ કહ્યું કે આ એક કહાનીનો અંત છે. હું આનાથી વધુ માંગી શકું તેમ નહતો. હું ભાગ્યશાળી છું કે વાસ્તવમાં મહાન ટીમ તરફથી રમ્યો છું. હું હવે જીવનભર મુસ્કુરાઈ શકું છું. છેલ્લા ૩૦ વર્ષમાં મે જેટલી પણ મહેનત કરી છે મને ખુશી છે કે હું તેનો આ રીતે અંત કરી શક્યો છું. હું વાસ્તવમાં મારા પરિવાર, મારા પિતાનો આભાર માનવા માંગુ છું. તેમના વગર આ શક્ય ન થઈ શક્ત.
અંબાતી રાયડુએ ૨૮મી મેના રોજ ટ્વીટ કરીને લખ્યું હતું કે સીએસકે અને ગુજરાત ૨ ઉત્તમ ટીમો, ૨૦૪ મેચ, ૧૪ સીઝન, ૧૧ પ્લે ઓફ, ૮ ફાઈનલ, ૫ ટ્રોફી. આશા છે કે આજે રાતે છઠ્ઠી. આ ખુબ લાંબી સફર રહી છે. મે નિર્ણય કર્યો છે કે આજે રાતની ફાઈનલ આઈપીએલમાં મારી છેલ્લી મેચ હશે. મને ખરેખ આ મહાન ટુર્નામેન્ટ રમવામાં ખુબ મજા આવી. તમારો બધાનો આભાર. કોઈ યુટર્ન નહીં.
અંબાતી રાયડુએ વર્ષ ૨૦૧૦માં આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. રાયડુ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સનો પણ હિસ્સો રહી ચૂક્યા છે. રાયડુ વર્ષ ૨૦૧૮થી સીએસકે માટે રમતા હતા. અંબાતી રાયડુએ આઈપીએલમાં કુલ ૨૦૪ મેચોમાં ૨૮.૨૩ની સરેરાશથી ૪૩૪૮ રન કર્યા છે. રાયડુ આઈપીએલમાં ૨૨ અડધી સદી અને ૧ સદી ફટકારી ચૂક્યા છે. અંબાતી રાયડુ ૬ વાર આઈપીએલ જીતનારી ટીમનો ભાગ રહી ચૂક્યા છે.