દર્શકોનો પ્રેમ જોતા તેમને ભેટ આપવા માટે તેઓ આગામી સીઝનમાં જરૂરથી રમશે.: માહી

અમદાવાદ, ઈન્ડિયન પ્રીમીયર લિગ ૨૦૨૩ની ફાઈનલ મેચ સોમવારે રમાઈ. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને પાંચમીવાર આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. આ સીઝનની શરૂઆત પહેલા એવી અટકળો થઈ રહી હતી કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ એસ ધોનીની આ છેલ્લી સીઝન છે. આવામાં હવે એમએસ ધોનીએ પોતે નિવૃત્તિ પર મોટું નિવેદન આપ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમીવાર ટાઈટલ મેળવ્યા બાદ આઈપીએલમાંથી સન્યાસ લેવાની અટકળોને ફગાવતા મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે દર્શકોનો પ્રેમ જોતા તેમને ભેટ આપવા માટે તેઓ આગામી સીઝનમાં જરૂરથી રમશે. અત્રે જણાવવાનું કે દરેક મેદાન પર દર્શકોએ જે રીતે પ્રેમ છલકાવ્યો તેને જોતા સન્યાસની સંભાવના વધુ પ્રબળ બની રહી હતી.

ગુજરાત ટાઈટન્સને ફાઈનલમાં ૫ વિકેટે હરાવ્યા બાદ જીત પછી જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેમની છેલ્લી સીઝન છે? ત્યારે ધોનીએ કહ્યું કે જો પરિસ્થિતિઓને જોઈએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ સર્વશ્રેષ્ઠ સમય છે. મારા માટે એ કહેવું ખુબ સરળ છે કે હવે હું વિદાય લઈ રહ્યો છું પરંતુ આગામી નવ મહિના સુધી આકરી મહેનત કરીને પાછા ફરવું અને એક સીઝન વધુ રમવું કપરું છે. શરીરે સાથ આપવો પડશે. ચેન્નાઈના પ્રશંસકોએ જે રીતે મને પ્રેમ આપ્યો, આ તેમના માટે મારી ભેટ હશે કે વધુ એક સીઝન રમું. તેમણે જે પ્રેમ અને લાગણી દર્શાવી છે, મારે પણ તેમના માટે કઈંક કરવું જોઈએ.

મહેન્દ્ર સિંહ ધોનીએ વધુમાં કહ્યું કે આ મારી કરિયરનો અંતિમ દોર છે. અહીંથી શરૂઆત થઈ હતી અને આખુ સ્ટેડિયમ મારું નામ લઈ રહ્યું હતું. આવું ચેન્નાઈમાં પણ થયું હતું પરંતુ હું વાપસી કરીને જેટલું રમી શકું છું, રમીશ.