સુખસરમાં ફીણવાળુ ગંદુ પાણી આવતા લોકો પરેશાન

સુખસર, ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પંચાલ ફળિયામાં સુખસર ગ્રામ પંચાયત દ્વારા નળ દ્વારા પીવાનુ પાણી આપવામાં આવે છે. જેમાં છેલ્લા 15 દિવસથી પીવાનુ પાણી ડહોળુ અને ફીણવાળુ આવતા તે બાબતે ગ્રામ પંચાયત સત્તાધિશોને સ્થાનિક રહિશોએ અનેકવાર રજુઆત કરી છે. તેમ છતાં હજુ સુધી સ્થાનિકોની રજુઆત પ્રત્યે ઘ્યાન આપવામાં આવતુ નહિ હોવાની ફરિયાદો ઉઠી છે. આ પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તેવો પણ સ્થાનિકોને ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આવા પાણીના લીધે રહિશોને રોગચાળો ભરડામાં લેશે ત્યારે તેની તમામ જવાબદારી ગ્રામ પંચાયત સત્તાધિશો સહિત તંત્રની રહેશે તેવો સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે.