દિલ્હીમાં ૧૬ વર્ષીય સગીરની કાળજું કંપાવતી હત્યા

  • આરોપીએ ચાકુથી ૩૪ સેકેન્ડમાં ૧૯ ઘા કર્યા, ૬ વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું.
  • લોકો મૂકપ્રેક્ષક બની જોતા રહ્યા…

નવીદિલ્હી, દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ૧૬ વર્ષની છોકરી સાક્ષીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. રવિવારે સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો CCTV માં કેદ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે સાક્ષીને રસ્તામાં રોકી હતી અને ચાકુના ઘા માર્યા. ત્યાર બાદ પથ્થર વડે હુમલો કર્યો. બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.

પોલીસે જણાવ્યું- એક વ્યક્તિએ બાળકીની હત્યાની જાણકારી આપી હતી. પોલીસ ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજે તે બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે અચાનક સાહિલે તેને રોકી અને તેના પર હુમલો કર્યો. છરી વડે સતત હુમલો કર્યા પછી ૬ વખત પથ્થર મારીને તેનું માથું છૂંદી નાખ્યું અને લાતો મારતો રહ્યો. હત્યા બાદ સાહિલ ફરાર થઈ ગયો હતો. ઘટના દરમિયાન કેટલાક લોકોએ સાહિલને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ હત્યા ત્યારે થઈ જ્યારે સાક્ષી તેના મિત્રના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહી હતી. પોલીસ સાહિલને શોધી રહી છે.

આ મામલામાં દિલ્હી પોલીસે કહ્યું છે કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર સુમન નલવાએ કહ્યું- શાહબાદ ડેરી પાસે હત્યાનો મામલો સામે આવ્યો હતો. એક ટીમ બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું.

બીજી તરફ, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું- દિલ્હીમાં ગુનેગારોનો હોંસલો બુલંદ છે. પોલીસને નોટિસ પાઠવી છે. તમામ હદ વટાવી દેવામાં આવી છે. મેં મારી આટલા વર્ષોની કારકિર્દીમાં આનાથી વધુ ભયંકર કંઈ જોયું નથી.

પોલીસની તપાસમાં થોડી જ વારમાં મૃતક યુવતી અને આરોપીની ઓળખ થઈ ગઈ હતી. ૧૬ વર્ષની યુવતી જેજે કોલોનીની રહેવાસી હતી. તે જ સમયે, આરોપીની ઓળખ સાહિલના પુત્ર સરફરાઝ તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે સાહિલ અને મૃતક યુવતી રિલેશનશિપમાં હતા. પરંતુ, રવિવારે કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. થોડા સમય બાદ યુવતી જ્યારે મિત્રના ઘરે જઈ રહી હતી ત્યારે સાહિલે તેને ગલીમાં રોકીને તેના પર હુમલો કર્યો હતો.

મૃતક યુવતીના પિતાની ફરિયાદ પર શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. હત્યાનો આરોપી સાહિલ ફરાર છે. તેની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસની અનેક ટીમો દરોડા પાડી રહી છે.

યુવક અને યુવતી વચ્ચે સબંધ હોવાનું સામે આવ્યું છે.યુવતીની હત્યા કરવાનું કારણ બન્ને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોવાનું છે.આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું હતું કે, દિલ્હીમાં એક સગીર છોકરીની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. આ ખૂબ જ દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ગુનેગારો નિર્ભય બની ગયા છે, પોલીસનો ડર રહ્યો નથી.એલજી સાહેબ, કાયદો અને વ્યવસ્થા તમારી જવાબદારી છે, કંઈક કરો. દિલ્હીના લોકોની સુરક્ષા સૌથી મહત્વની છે.