બજરંગ-સાક્ષી સહિત ૧૦૯ લોકો સામે એફઆઇઆર કુસ્તીબાજો દિલ્હીથી રવાના,

  • વિનેશે કહ્યું- પોલીસે પીછો કર્યો, શું અમારું એન્કાઉન્ટર કરવા ઇચ્છે છે?

પાણીપત, દિલ્હીમાં નવા સંસદભવન સામે મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે રવિવારે અથડામણ થઈ હતી. પોલીસે મહાપંચાયત માટે મંજૂરી આપી ન હતી. કુસ્તીબાજોએ નવી સંસદ સુધી પહોંચવા માટે બેરિકેડ્સ પણ તોડી નાખ્યા હતા. આ પછી પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ પછી વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિત ઘણા રેસલર્સની અટકાયત કરવામાં આવી હતી.

આ પછી પોલીસે ૨૩ એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના તંબુઓ ઉખેડી નાખ્યા હતા. બજરંગ, સાક્ષી અને વિનેશ સહિત ૧૦૯ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હુલ્લડો કરવા અને સરકારી કામમાં અવરોધ જેવા આરોપો છે. આ કેસોમાં ૭ વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.

પોલીસની કાર્યવાહી બાદ વિનેશે આરોપ લગાવ્યો હતો કે પોલીસે જંતર-મંતરથી જઈ રહેલા કુસ્તીબાજોનો પીછો કર્યો. પૂછપરછ પર સુરક્ષા પૂરી પાડવા માટે ટાંકવામાં આવ્યું હતું. વિનેશે કહ્યું- કોને ખબર, બ્રિજભૂષણે પોતે જ પોતાના સશ માણસો મોકલ્યા હોય અને કદાચ અમારું એન્કાઉન્ટર કરવામાં આવે.

મહિલા કુસ્તીબાજોએ પૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેમની ધરપકડની માગણી સાથે ૨૩ એપ્રિલથી ધરણાં કરી રહ્યા છે. દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાએ કહ્યું હતું કે આવતીકાલના વિરોધને લઈને કુસ્તીબાજો સાથે વાતચીત કરવામાં આવી હતી, પરંતુ તેમણે કંઈપણ સાંભળવાનો ઈનકાર કર્યો હતો. એ પછી તેમને કસ્ટડીમાં લેવા પડ્યા હતા. અમે તેમને શાંતિપૂર્વક અટકાયતમાં લીધા છે. જો તેઓ અન્ય જગ્યાએ વિરોધ કરવા માટે મંજૂરી માગે તો આપી શકાય છે, પરંતુ તેમને જંતર-મંતર પર બેસવા દેવામાં આવશે નહીં. અમે તેમને ૩૮ દિવસ સુધી દરેક સુવિધા આપી, પરંતુ ગઈકાલે તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું.

વિનેશ ફોગાટે સોમવારે કહ્યું, જ્યારે કુસ્તીબાજો દિલ્હીથી તેમના સામાન સાથે પાછા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમનો પીછો કર્યો. પોલીસે કહ્યું હતું કે કુસ્તીબાજોને સુરક્ષા આપવી પડશે. મેં તેમને પૂછ્યું કે રવિવારે સાંજે ૭:૩૦ વાગ્યે અમે પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે આ પીએસઓ ક્યાં હતા. પીછો કરવાની શી જરૂર છે. શું તમે અમારું એન્કાઉન્ટર કરવા માગો છો? બની શકે કે બ્રિજભૂષણે પોલીસના વેશમાં તેમને મોકલ્યા હોય. દરેક પાસે હથિયારો હતાં. કદાચ અમારું એન્કાઉન્ટર થઈ જશે.

સાક્ષી મલિકે કહ્યું, દિલ્હી પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં ૭ દિવસનો સમય લીધો, જેમણે અમારી સાથે યૌનશોષણ કર્યું અને શાંતિપૂર્ણ વિરોધ કરવા બદલ અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં ૭ કલાક પણ ન લાગ્યા. શું આ દેશમાં સરમુખત્યારશાહી શરૂ થઈ ગઈ છે? આખું વિશ્ર્વ જોઈ રહ્યું છે કે સરકાર તેમના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. અમે જંતર-મંતરથી અમારો સત્યાગ્રહ ફરી શરૂ કરીશું.