નવીદિલ્હી, મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને સોમવારે કોંગ્રેસના મુખ્યાલયમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બેઠકમાં લાંબી ચર્ચા ચાલી અને અમે કર્ણાટકનું પુનરાવર્તન કરીશું.
પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, બેઠકમાં અમે લાંબી ચર્ચા કરી. અમારું આંતરિક મૂલ્યાંકન છે કે, અમને કર્ણાટકમાં ૧૩૬ બેઠકો મળી છે. અમે મધ્ય પ્રદેશમાં ૧૫૦ બેઠકો મેળવવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ કર્ણાટકમાં જે કર્યું તે ફરી કરશે. નોંધનીય છે કે, દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાજ્યના પૂર્વ સીએમ કમલનાથ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહાસચિવ કેસી વેણુગોપાલ દિગ્વિજય સિંહ અને અન્ય નેતાઓ હાજર હતા.
રાહુલ ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચહેરાને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે, કમલનાથ એમપીમાં કોંગ્રેસનો સીએમ ચહેરો હશે, તો રાહુલ ગાંધીએ તેમની વાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું, ભાઈ, ૧૫૦ સીટો આવશે… રાહુલ ગાંધી સિવાય કમલનાથે કહ્યું કે, હાલમાં જ એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક થઈ છે.
દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટી અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથેની બેઠક બાદ મધ્યપદેશ ના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્ય પાર્ટીના અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, ચૂંટણીમાં રણનીતિ ઘડવામાં આવશે, મધ્યપદેશ ના ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત કરવું, ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ જે કહ્યું છે તેની સાથે અમે બધા સહમત છીએ. કમલનાથે કહ્યું કે, આ માન્યતાનો આધાર રાહુલ ગાંધી પાસે છે.