ધોરણ ૧૦ના વિદ્યાર્થીનું કરંટ લાગતા મોત:પાણીની મોટર બંધ કરવા જતાં પ્રાણ પંખેરું ઉડી ગયું

સુરત, સુરતમાં લોકોને ચેતવતી વધુ એક ઘટના સામે આવી છે. ધોરણ ૧૦ની પરીક્ષામાં પાસ થયા બાદ ૪ દિવસ પહેલા બહેન પાસે આવેલા ભાઈનું કરંટ લાગતા મોત થયું હતું. બંગલામાં કામ કરતા બનેવીએ પાણીથી પાર્કિંગ ધોયું હતું. જેથી પાણીની મોટર બંધ કરવા મોકલતા કરંટ લાગતા ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા બંગલામાં મૂળ રાજસ્થાનના સચિન કટારે કામ કરે છે અને ત્યાં જ પત્ની સાથે રહે છે. ૪ દિવસ પહેલા તેનો સાળો વિજય ધોરણ ૧૦ની પરીક્ષા ના રિઝલ્ટ બાદ આવ્યો હતો. વેકેશન હોવાના કારણે સુરત બહેનના ઘરે ફરવા માટે આવ્યો હતો. ત્રણ દિવસથી વિજય મોલ સહિતની જગ્યાઓ પર બહેન અને બનેવી સાથે ફર્યો હતો.

મૃતક વિજયના બનેવી સચિન કટારેએ જણાવ્યું હતું કે બંગલામાં દર રવિવારે પાર્કિંગની પાણીથી સાફ-સફાઈ કરવામાં આવે છે. ગત રોજ પણ પાણીથી પાર્કિંગની સફાઈ કરી હતી. આ સાથે જ બંગલામાં નીચેની તરફ બધી જગ્યાએ પાણી હતું. દરમિયાન વિજયને પાણીની મોટર બંધ કરવા જવા માટે કહ્યું હતું. વિજય પાણીની મોટર બંધ કરવા ગયો હતો અને કરંટ લાગ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે વિજયને કરંટ લાગ્યો હોવાની જાણ થતા જ દોડીને ત્યાં પહોંચ્યો હતો. જોકે વિજયનું શરીર કડક થઈ ગયું હતું તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. વિજયના શરીરને સ્પર્શ કરતા જ કરંટ લાગ્યો હતો જેથી પહેલા મોટર બંધ કરી હતી. ત્યારબાદ ઓક્સિજન પણ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વિજય ન ઉઠતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે વિજયને સિવિલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બહેનની પાસે આવેલા ભાઈનું કરંટ લાગતા મોત થયું હતું. તેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.