
મુંબઇ, વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ લંડન પહોંચી ચુક્યા છે, બાકીના ખેલાડીઓ આઇપીએલ ૨૦૨૩ સમાપ્ત થતા જ લંડનની ફ્લાઈટ પકડશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં વિશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનારી છે. આ માટે બંને ટીમોએ પોતાની સ્ક્વોડનુ એલાન થોડા દિવસ પહેલા કરી દીધુ હતુ. આ દરમિયાન આઇસીસીએ અંતિમ ૧૫ ખેલાડીઓની સ્ક્વોડ પર મહોર લગાવી દીધી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની ૧૫-૧૫ સભ્યોની સ્ક્વોડ જાહેર થઈ ચૂકી છે. જેમાં ભારતીય સ્ક્વોડમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ફેરફાર કર્યો છે.આઇસીસીએ ૧૫-૧૫ ખેલાડીઓની બંને ટીમોની સ્ક્વોડ અંગેની માહિતી જાહેર કરી હતી. આ સાથે જ અંતિમ સ્ક્વોડની યાદી પણ પ્રેસ રિલીઝ સાથે જારી કરવામાં આવી છે, જેની પર આઇસીસી એ મહોર લગાવી છે.
ટીમ ઈન્ડિયાએ પોતાની અંતિમ ૧૫ ની સ્ક્વોડમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. ફક્ત રિઝર્વ ખેલાડીમાં ૠતુરાજ ગાયકડવાને સ્થાને યશસ્વી જયસ્વાલને સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યસ્વાલે આઇપીએલ ૨૦૨૩ દરમિયાન ખૂબ જ ધમાલ મચાવી હતી. ઓપનર બેટર જયસ્વાલે સૌને પ્રભાવિત કરતી બેટિંગ કરતા સ્ક્વોડમાં સામેલ કર્યો છે. ૠતુરાજ ગાયકવાડ ૩ જૂને લગ્ન કરી રહ્યો છે અને જેને લઈ તે ટીમ સાથે લંડનમાં જોડાવવુ મુશ્કેલ છે. આવામાં યશસ્વી જયસ્વાલને મોકો આપવામાં આવ્યો છે. અને તેની તસ્વીર પણ રોહિત શર્મા સાથેની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
ફાઈનલ માટેની અંતિમ ૧૫-૧૫ ની સ્ક્વોડમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આઇપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલ જોસ હેઝલવુડ ફિટ થઈ જતા હવે રાહતની વાત છે. ઓસ્ટ્રેલિયાએ તેનો સમાવેશ અંતિમ ૧૫માં કર્યો છે. આ પહેલા ઈજાગ્રસ્ત હેઝલવુડને સ્થાને માઈકલ નાસીરનો સમાવેશ અંતિમ પંદરમાં કરવાની ખૂબ ચર્ચા રહી હતી. પરંતુ હવે ફિટ હોવાના સમાચારથી ઓસ્ટ્રેલિયન ટીમના રાહત સર્જાઈ છે.
ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસ દરમિયાન પોતાની ટીમમાં સામેલ કરેલ મેટ રેનશોને બહાર કરી દીધો છે. મેટ રેનશોને ઓસ્ટ્રેલિયાએ મિશેલ માર્શ સાથે રિઝર્વ ખેલાડી તરીકે રાખ્યા છે. ઓસ્ટ્રેલિયાએ માર્કસ હેરિસને સ્ક્વોડમાં સ્થાન આપ્યુ છે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્ર્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્ર્વિન, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઈશાન કિશન (વિકેટકીપર) અને જયદેવ ઉનડકટ.
રિઝર્વ: સૂર્યકુમાર યાદવ, મુકેશ કુમાર અને યશસ્વી જયસ્વાલ
ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી (વિકેટકીપર), ટોડ મર્ફી, સ્કોટ બોલેન્ડ, માર્કસ હેરિસ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને નાથન લિયોન
રિઝર્વ: મિશેલ માર્શ, મેટ રેનશો