
ઇસ્લામાબાદ, પાકિસ્તાન સરકારની સાથે આર્મી જોડે પણ મોરચો માંડવાના કારણે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. તેમની પાર્ટીને ઘણા નેતાઓ અલવિદા કહી ચુકયા છે ત્યારે બેકફૂટ પર ધકેલાયેલા ઈમરાનખાને પાકિસ્તાન સરકાર સાથે વાતચીતની ઓફર મુકી હતી. જોકે હવે શાહબાઝ શરીફની સરકારે આ ઓફરને ફગાવી દીધી છે.
સરકારે કહ્યુ છે કે, વાતચીત રાજનેતાઓ સાથે થતી હોય છે. આતંકીઓ સાથે વાતચીત થઈ શકે નહીં. સત્તાધારી પાર્ટીએ ઈમરાનની ઓફરના જવાબમાં ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, શહીદોના સ્મારકને આગ લગાવનાર આતંકીઓ તથા દેશમાં તોડફોડ કરનારા જૂથ સાથે કોઈ વાતચીત નહીં થાય.
પાકિસ્તાની સરકારના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, દેશ પર હુમલા કરનારાઓને તો દંડ આપવામાં આવતો હોય છે, સજા કરવામાં આવતી હોય છે. તેમની સાથે વાતચીત નથી કરાતી. શહીદોના સ્મારકોની તોડફોડ કરનારાઓ સાથે વાતચીત કરવી એ પણ શહીદોનુ અપમાન છે.
આ પહેલા ઈમરાનખાને સરકાર સાથે વાતચીત કરવા માટે સાત લોકોની એક કમિટિ બનાવી હતી અને સમાધાનના કરાર પર બંને પક્ષો હસ્તાક્ષર કરે તેવી માંગ કરી હતી.