ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનની કાયાપલટ કરી આધુનિકરણ કરતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ધરાવતો ઊંડાણ પ્રદેશ છે. જે સુખસર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 9 મહિના જેટલા સમયથી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે મિતલબેન પટેલ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. મહિલા અધિકારી હોવા છતાં પણ પોતાના પ્રયત્નોથી સુખસર પોલીસ સ્ટેશનની કાયાપલટ કરી આધુનિકરણ કરેલ છે.

જેઓના દ્વારા હદ વિસ્તારના નાગરિકો, અધિકારીઓ,રાજકીય આગેવાનોનો સહયોગ પ્રાપ્ત કરી પડતર બિન ઉપયોગી જગ્યામાં પેવર બ્લોક બેસાડવા, કમ્પાઉન્ડવોલનું રીપેરીંગ નિર્માણ કરવુ, કલર કામ કરાવવું, ઓફિસમાં આધુનિકરણ અને સમગ્ર કચેરીમાં ભૌતિક સુવિધાઓથી પોલીસ સ્ટેશનને સમૃદ્ધ બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવેલ છે.

સાચું જ કહેવાયું છે કે છે કે “નારી તું નારાયણી” ઋષિમુનિઓના મુખેથી નીકળેલ આ વાક્ય સાચું ઠરે છે.

આ સિવાય પણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મિતલબેન પટેલ દ્વારા હદ વિસ્તારના ગામડાઓમાં છેવાડાના લોકો સુધી પહોંચીને આત્મિયતા પ્રાપ્ત કરી લોક સહયોગ પણ મેળવેલ છે અને પોતાના સ્ટાફ કર્મચારીઓ સાથે પરિવારની ભાવના કેળવેલી જોવા મળે છે. વહીવટી અગવડ ઊભી ન થાય તે માટે વધારાના 5 જેટલા ઓફિસ રૂમ નિર્માણ કરાવ્યા છે. સાથે સાથે નાગરિકોને પડતી દરેક મુશ્કેલીઓમાં સાથે ઊભા રહીને હકારાત્મક વલણ સાથે પોતાની ફરજમાં પણ તેઓ સફળ સાબિત થયેલા જોવા મળે છે. સમગ્ર પોલીસ પરિવારના સહયોગથી વિસ્તારમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે, ખોટી ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું છે, અવાર-નવાર થતાં વાદવિવાદોનું પ્રમાણ વિસ્તારના ગામડાઓમાં ઘટ્યું છે.

તેઓના દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને કાયદાકીય લોકજાગૃતિ થકી મહિલા સશક્તિકરણ,મહિલા સન્માનો, ફળિયા મીટીંગ, નશાબંધી કાર્યક્રમો અને સર્વનાગરિક સમાનતા હક જેવા ઉત્કૃષ્ટ કાર્યક્રમો કરી જનહિતમાં પ્રશંસનીય કામગીરી કરેલી જોવા મળે છે.

ઉલ્લેખનીય છેકે, પોલીસ અધિકારીઓ દ્વારા ઊંડાણ વિસ્તારમાં સરકારી કચેરી અને જનતા સાથે સુમેળ ભર્યા સંબંધો કેળવવા એ દૂરની વાત છે, પરંતુ મિત્તલબેન પટેલ જેવા બાહોશ મહિલા પોલીસ અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીસ અને પ્રજા વચ્ચેના આત્મિયતા ભર્યા સંબંધો કેમ વિકસાવા તેનુ ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.

દાહોદ જીલ્લાના સુખસર પોલીસ સ્ટેશનમાં પ્રશંસનીયને ઉત્તમ કામગીરી કરનાર મહિલા પોલીસ અધિકારી મિતલબેન પટેલને સુખસર ગ્રામજનો, નાગરિકો અધિકારીઓ તથા રાજકીય આગેવાનો સહયોગની ભાવના સહઅભિનંદન પાઠવે છે.