પરિણીતી અને રાઘવ રાજસ્થાનની એક હોટલમાં શાહી લગ્ન કરશે.

મુંબઇ, દિલ્હીથી લઈને મુંબઈ સુધી હાલના દિવસોમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પરિણીતી-રાઘવના પરિવારના સભ્યો ભવ્ય શાહી લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. હવે આ સમાચારને સમર્થન મળ્યું છે કે, પરિણીતી અને રાઘવ રાજસ્થાનની એક હોટલમાં શાહી લગ્ન કરશે. પરિણીતી ચોપરા હાલના દિવસોમાં ઉદયપુરમાં છે જ્યાં તેનો પરિવાર પણ હાજર છે.

પરિણીતી અહીંની હોટલ, પર્યટન સ્થળો અને હેરિટેજ સ્થળો વિશે માહિતી મેળવી રહી છે. રાઘવ ચઢ્ઢા પણ ટૂંક સમયમાં જયપુર પહોંચશે અને તેઓ સાથે મળીને લગ્નનું સ્થળ નક્કી કરશે.પરિણીતી ચોપરા પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શિખા સક્સેનાને પણ મળી હતી અને નજીકની ખાસ હોટેલો અને પર્યટન સ્થળો વિશે પૂછપરછ કરી હતી. રાઘવ ચઢ્ઢાનો પણ ઉદયપુર પહોંચવાનો પ્લાન હતો, પરંતુ હવે તે પરિણીતીને જયપુરમાં મળશે. રાઘવ પરિણીતી સાથે જયપુરમાં લગ્નના કેટલાક સ્થળો પણ જોશે અને બંને ટૂંક સમયમાં બધું ફાઇનલ કરશે.

તમને જણાવી દઈએ કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ ૧૩ મેના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. આ પ્રાઈવેટ ફંક્શનમાં બોલિવૂડના ખાસ ચહેરાઓ અને રાજકારણના પસંદગીના લોકોને બોલાવવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે પરિણીતી અને રાઘવ ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે. બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. રોયલ વેડિંગ રાજસ્થાનમાં થશે.

આ પહેલા પણ ઘણા બોલિવૂડ સ્ટાર્સ રાજસ્થાનમાં રોયલ વેડિંગ કરી ચુક્યા છે. પરિણીતીની બહેન પ્રિયંકા ચોપરાએ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. દેશી ગર્લના રોયલ વેડિંગની દેશ-વિદેશમાં ચર્ચા થઈ હતી. હાલમાં જ બોલિવૂડના સુંદર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી લગ્ન કર્યા હતા.