શહેરા, શહેરા તાલુકાના સંભાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે લાઈટ અવર જવર કરતા અહી આવતા અરજદારો ના કોમ્પ્યુટર ઉપર થતા કામો અટવાઈ ગયા હતા. પાનમ ફીડર લાઈનમાં છાશવારે વીજ સમસ્યા સર્જાતા વીજ ઉપભોક્તાઓ નો આક્રોશ વીજ કચેરી સામે જોવા મળી રહયો હતો.
શહેરા તાલુકાના સંભાલી સહિત આજુબાજુના ગામોના ગ્રામજનો વીજ સમસ્યાથી હેરાન પરેશાન થવા સાથે ગરમીમાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા જ્યારે સંભાલી ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે આ ગામ સહિત ગમન બારીયા ના મુવાડાના ગામના અંદરસિંહ બારીઆ,હંસાબેન ખાંટ સહિતનાઓ કામ અર્થે આવ્યા હતા. જોકે ગ્રામ પંચાયત કચેરી ખાતે વીજળી ગુલ થઈ જતા વિધવા સહાય ફોર્મ,આવકનો દાખલો સહિત કોમ્પ્યુટર પર થતા અન્ય કામો થતા અટકી ગયા હતા. ગ્રામ પંચાયત કચેરી ખાતે એમ.જી.વી.સી.એલ. કચેરી દ્વારા આપવામાં આવતો વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને બેસી રહેવાની નોબત આવી હતી.આ ગામ સહિત અન્ય વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ સમસ્યા સર્જાતા લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે વીજ કચેરીમાં સમાવિષ્ટ પાનમ ફીડર વિસ્તાર લાંબો હોવા સાથે અનેક ગામો ને વીજ પુરવઠો મળતો હોય ત્યારે આ વિસ્તારના લોકોને વીજ સમસ્યા માંથી છુટકારો મળે તે માટે એમ.જી.વી.સી એલ કચેરીના ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને લો વોલ્ટેજ ની સમસ્યા તેમજ વીજ સમસ્યા માંથી છુટકારો મળે તે માટેની કામગીરી કરવામાં આવે તેવી આશા વીજ ઉપભોક્તાઓ રાખી રહ્યા છે.