
શહેરા, શહેરા તાલુકાના મુખ્ય બસ મથકની અંદર ખાનગી વાહનો ઉભા રહેતા નજરે પડી રહ્યા હતા. બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર દ્વારા પોલીસ તંત્રને ઉભા રહેતા ખાનગી વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.
શહેરા તાલુકાના મુખ્ય બસ મથક ખાતે બસોની અવરજવર વધુ રહેવા સાથે મુસાફરોની પણ અવર જવર અહી રહેતી હોય છે. બસ મથક ખાતે ખાનગી વાહનો ઉભા રહેતા જોવા મળવા સાથે અમુક ખાનગી વાહનો નડતરરૂપ પણ ઊભા રહેતા હોય છે. બસ સ્ટેશન ખાતે ખાનગી વાહનો ઉભા રહે નહી તે માટે ટ્રાફિક કંટ્રોલર દ્વારા પોલીસતંત્રને રજુઆત કરાઈ હતી.બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર દ્વારા પોલીસ તંત્ર ને રજુઆત કર્યા બાદ પણ આ સામે કડક કાર્યવાહી કરવામા નહિ આવતા હજુ પણ બસ સ્ટેશનમાં ખાનગી વાહનો ઉભા રહેતા જોવા મળતા હોય છે. ઉલ્લેખનીય છે કે, પાંચ મહિના પહેલા ખાનગી વાહનચાલક દ્વારા બસના કંડકટર અને ડ્રાઈવરને માર મારવાની ઘટના બનવા પામી હતી. ફરી અહી આવી ઘટના ન બને તે માટે બસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર દ્વારા પોલીસ તંત્રને બસ સ્ટેશનમાં ખાનગી વાહનો ઉભા રહે નહી તે માટે રજુઆત કરાઈ હતી. પોલીસ વિભાગની સારી એવી કામગીરી તાલુકા પંથકમાં જોવા મળતી હોય ત્યારે બસ સ્ટેશન અને તેની બહાર ઉભા રહેતા ખાનગી વાહનો સામે કાર્યવાહી ક્યારે કરશે તે તો જોવુ જ બની રહ્યુ છે.
બોકસ :
શહેરા બસ સ્ટેશન ખાતે ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે, બસ સ્ટેશનમાં ખાનગી વાહનો ઉભા રહેતા હોય છે. એના કારણે બસ સ્ટેશનમાં આવતી બસોને અવરજવર કરવામાં તકલીફ પડતી હોય છે. બસ સ્ટેશનમાં ખાનગી વાહનો ઉભા ન રહેવા જોઈએ એના માટે પોલીસ તંત્રને રજુઆત મેં કરી છે.