ગોધરા, પંચમહાલ જીલ્લા સંકલન સમિતિની બેઠક જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યઓ તથા જીલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જીલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો-સિધ્ધિઓ, લોકાભિમુખ વહીવટ, નાગરિક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જીલ્લાના તાકિદના પ્રશ્ર્નો બાબતે ચર્ચા કરાઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્યઓ દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્ર્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જીલ્લા કલેકટરએ સૂચનાઓ આપી હતી. જીલ્લા કલેકટરએ છેવાડાના વ્યક્તિને સરકારી લાભો મળી રહે તથા પ્રજાના પ્રશ્ર્નો તાકીદે ઉકેલવા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે દબાણો હટાવવા, પાણી, રસ્તા અને વીજળીના પ્રશ્ર્નો તાકીદે ઉકેલવા જણાવ્યું હતું. તેમણે જે પ્રશ્ર્નોની ચર્ચા સંકલનમાં થાય તેના ઉકેલ સાથે જ સંકલનમાં આવવા અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં પંચમહાલ સાંસદ રતનસિંહ, સર્વ ધારાસભ્યઓ જયદ્રહસિંહજી પરમાર, નિમીષાબેન સુથાર, ફતેહસિંહ ચૌહાણ અને સી.કે. રાઉલજી દ્વારા ગત વિવિધ પ્રશ્ર્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં અગાઉના વીજળી, બેંક, પેન્શન, નલ સે જલ યોજના અને જમીનને લગતા પ્રશ્ર્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરાઇ હતી.તમામ અધિકારીઓએ વિવિધ પ્રશ્ર્નોના સમયસર નિકાલ કરવા માટે ખાતરી આપી હતી.
આ બેઠકમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, નિવાસી અધિક જીલ્લા કલેકટર એમ.ડી. ચુડાસમા, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, સર્વપ્રાંત અધિકારીઓ સહિત જીલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.