જાતિવાદની સંસ્કૃતિ સાથે નવી સંસદનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે : છોટુ વસાવા

ભરૂચ, દેશની નવી સંસદના ઉદ્ઘાટનમાં ૧૯ વિપક્ષીય પાર્ટીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ વિવાદ વચ્ચે રાજ્યના દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા પણ કૂદી પડ્યા છે. છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે કે, આદિવાસીઓ હિંદુ નથી અને હિંદુ વર્ણ પ્રણાલીનો હિસ્સો નથી. એટલે સંસદનું ઉદ્ઘાટન આદિવાસી રાષ્ટ્રપતિના હસ્તે કરાવવામાં આવી રહ્યું નથી. આ સાથે વસાવાએ એક ફોટો પણ ટ્વીટ કર્યો છે. જેમાં એક આદિવાસી પૂજા કરતા બતાવવામાં આવ્યા છે. નવી સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિને યોગ્ય રીતે ન કરવા અને આમંત્રણ ન આપવા સામે વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે.

ગુજરાતના ભરૂચ જિલ્લાની ઝગડિયા બેઠક પરથી સાત વખત જીતીને ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાએ આ વિવાદમાં નવો એંગલ મૂક્યો છે. તેમણે દાવો કર્યો છે કે આદિવાસીઓ હિંદુ નથી. આથી આદિવાસી રાષ્ટ્રપતિને બોલાવવામાં આવ્યા નથી. નવી સંસદનું ઉદ્ઘાટન ૨૮ મેના રોજ થવાનું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઝારખંડના પ્રવાસે છે. જેમનો આજે બીજો દિવસ છે. છોટુ વસાવાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આદિવાસીઓ હિંદુ નથી અને હિંદુ જાતિ પ્રથાનો હિસ્સો નથી, આદિવાસીઓ ક્યારેય મંદિરોમાં પ્રવેશ માટે લડ્યા નથી. નવી સંસદનું ઉદ્ઘાટન જાતિ પ્રથાની સંસ્કૃતિ સાથે કરવામાં આવી રહ્યું છે, તેથી તેનું ઉદ્ઘાટન આદિવાસી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી રહ્યું નથી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું- રાષ્ટ્રપતિને સંસદના ઉદ્ઘાટન માટે ન બાલોવવું કે સમારોહમાં આમંત્રણ ન આપવું  આ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે. સંસદ અહંકારની ઇંટોથી નહીં, પરંતુ બંધારણીય મૂલ્યોથી બનેલી છે.

ઉલ્લેખનીય છે કે, દેશની નવી સંસદના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સંસદના ઉદ્ઘાટનમાં દેશની ૨૦ પાર્ટીઓ ભાગ લઈ રહી છે, જ્યારે ૧૯ પાર્ટીઓએ બહિષ્કારની વાત કરી છે. કોંગ્રેસ સહિત તમામ પક્ષો માંગ કરી રહ્યા છે કે સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ગુજરાતના આદિવાસી નેતા છોટુ વસાવાએ હવે આદિવાસીઓ હિન્દુ નથી એમ કહીને આ સમગ્ર વિવાદને નવો રંગ આપ્યો છે.