સમાજના લોકો દીકરીઓની આબુરું અને સુરક્ષા ઇચ્છતા હોય તો પ્રસંગોમાં ડી.જે ના લાવે. : કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

પાલનપુર, ગુજરાત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સતત ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાના બેબાક અંદાજ માટે ફેમસ છે. ગુજરાત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હંમેશા અનોખા અંદાજમાં જોવા મળે છે. તેમની સ્પષ્ટ બોલવાની આદતથી તેઓ જ્યાં હોય છે ત્યાં છવાઈ જાય છે. ત્યારે ભાભરમાં ઠાકોર સમાજના એક સમુહલગ્નમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણા માટે અપીલ કરી હતી. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્ન પ્રસંગમાં ડી.જે વગાડવા ઉપર પ્રતિબંધ લાદવા સમાજના લોકોને અપીલ કરી.

ડીજે પર પ્રતિબંધ મૂકવા બાબતે ગેનીબેને કહ્યું કે, રાત્રે ડી જે વગાડી કલાકારો સંસ્કૃતિ વગરના ગીતો ગાઇ નાચે તેમજ આમંત્રણ વગરના લોકો પણ આવી જાય છે. દીકરીઓની નાસી જવાની ખરાબ ઘટનાઓ બનવા પાછળ આ ડી.જે જવાબદાર છે. તો સમાજના લોકો દીકરીઓની આબુરું અને સુરક્ષા ઇચ્છતા હોય તો પ્રસંગોમાં ડી.જે ના લાવે. નવયુગલો પણ બંને પતિ-પત્ની કમાતા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે પારણું ન બાંધે તેવુ પણ ગેનીબેને કહ્યું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આહવાન કરી ચૂક્યા છે. તેઓએ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ડીજે વગર લગ્નના ફેરા ફરવા ના પાડનાર દિકરા- દિકરીઓની જીદ સામે માતા પિતાએ પોતાનાં દિકરા- દિકરીઓ સમજાવવાના પ્રયાસો કરવા પડશે. DJ ના કારણે લગ્ન પ્રસંગ માં મતભેદ ઊભા થાય છે. સાથે સાથે DJ ના કારણે જીવજંતુને પણ આડ અસરો થાય છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન, DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ!

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાની વાત કરી ચૂક્યા છે. તો સ્વરક્ષા માટે મહિલાઓને હથિયાર રાખવાની મંજૂરી આપવાની પણ વાત કરી ચૂક્યા છે. ભાભરમાં ઠાકોર સમાજના સમુહલગ્નમાં ૩૪ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અનેક આગેવાનો અને ઠાકોર સમાજના લોકો સમુહલગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા.