ઔરંગાબાદ પાસે કાર અકસ્માતમાં સુરતના ૪ પિતરાઈ ભાઈનાં મોત

મુંબઈ, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કાર ડિવાઈડર સાથે અથડાતા થયેલા ભીષણ અકસ્માતમાં સુરતમાં રહેતા ચાર પિતરાઈ ભાઈ મૃત્યુ પામ્યા હતા. જ્યારે એકનો જીવ બચી ગયો હતો. તેલંગણામાં પરિવારના એક સભ્યનું મોત છતા તેઓ અંતિમ વિધિમાંથી પાછા આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં કરાડવામાં રહેતો ગૌડ પરિવાર કપડાનો વ્યવસાય કરે છે. તેલંગણામાં તેઓ બે દિવસ અગાઉ પરિવારના એક સભ્યના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા તેલંગણા ગયા હતા.ત્યારબાદ ચાર પિતરાઈ ભાઈ સંજય રાજણ ગૌડ (ઉ.વ.૪૩), કૃષ્ણા રાજણ ગૌડ (ઉ.વ.૪૪), શ્રી નિવાસ રામૂ ગૌડ (ઉ.વ.૩૮), સુરેશ ગૌડ (ઉ.વ.૪૧) સહિત પાંચ જણ મલ્ટી યુટિલિટી વેહીકલ (એમયુવી)માં સુરત ઘરે પાછા જઈ રહ્યા હતા.

દરમિયાન, ઔરંગાબાદમાં કરમાડ-શેકટામાં સમૃદ્ધિ હાઈવે પર ગૌડ પરિવારના ડ્રાઈવરે વહેલી સવારે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો. સ્પીડમાં જઈ રહેલી ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં ૩ જણનાં જગ્યા પર જ મોત નિપજ્યા હતા. જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા બાદ એક વ્યક્તિએ અંતિમ શ્ર્વાસ લીધા હતા. ગાડીનલ્છેલ્લી સીટ પર બેસેલા એક શખસ બચી ગયો હતો. કરમાડ પોલીસ સ્ટેશનમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતના લીધે જોરદાર અવાજ થતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેઓ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા.

મુંબઈ નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વેની ડિસેમ્બર ૨૦૨૨માં શરૃઆતથી લઈને આ વર્ષના એપ્રિલના અંત સુધીમાં જુદા જુદા અકસ્માતમાં ૩૯ લોકોના મોત થયા છે અને ૧૪૩ ઈજા પામ્યા છે, એમ સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું હતું. સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરસ્કસ્માતો વધી રહ્યા હોવાથી પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.