મેંગલુરુ, મેંગલુરુથી દુબઈ જઈ રહેલી ઈન્ડિયોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હોવાની ઘટના સામે આવી છે. મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
મળતા અહેવાલો મુજબ આ ઘટના સવારેલગભગ ૮.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. ફ્લાઈટ ના એક પંખા સાથે પક્ષી ટકરાતા ફ્લાઈટ ઉડવા માટે બિલકુલ તૈયાર ન હતી. પાયલટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલને સૂચના આપ્યા બાદ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ઘટના બન્યા બાદ ૧૬૦ મુસાફરોને ફ્લાઈટ માંથી સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. ઘટના બાદ થોડા સમય સુધી એરપોર્ટ પર અફરાતફરી જોવા મળી હતી. જોકે મુસાફરો માટે અન્ય ફ્લાઈટ ની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હતી. આ ફ્લાઈટ બેંગલુરુથી આવી હતી.
હાલ ટેકનિશિયનો દ્વારા ગ્રાઉન્ડેડ થયેલ ફ્લાઈટ નું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે એમઆઇએના અધિકારીઓએ જણાવ્યું કે, ૬ઈ ૧૪૬૭ આઇએકસઇ ડીએકસબી વિમાન ટેક્સીવેથી રન-વેમાં પ્રવેશ કરતા જ પક્ષી અથડાયું હતું, જે અંગે પાયલટે એટીસીને સૂચના આપી હતી. ઘટના બાદ તમામ મુસાફરોને તુરંત વિમાનથી ઉતારવામાં આવ્યા હતા. વિમાનના સંપૂર્ણ નિરિક્ષણ માટે ગ્રાઉન્ડેડ જાહેર કરી દેવાયું છે. ત્યારબાદ ઈન્ડિગોએ ૧૬૦ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. આ તમામ મુસાફરોને દુબઈની ફ્લાઈટ માં સવારે ૧૧.૦૫ કલાકે રવાના કરાયા હતા.