સુરત, ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે.ધોરણ ૧૦ પરીક્ષાર્થીઓનું પરિણામ ૬૪.૬૨ ટકા જાહેર કરવામા આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછું ૪૦.૭૫ ટકા પરિણામ છે. ત્યારે સૌથી વધુ પરિણામ ધરાવતા સુરત જિલ્લામાં અજીબ કિસ્સો જોવા મળ્યો. બે જુડવા ભાઈઓને ધોરણ ૧૦ ના પરિણામમાં એક્સરખા માર્કસ મળ્યા છે.
સુરત શહેરમાં ધોરણ ૧૦ નું પરિણામ આખા ગુજરાતમાં સૌથી વધુ આવ્યુ છે. ત્યારે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના બે જુડવા ભાઈઓએ બાજી મારી હતી. કારણ કે, બંને ભાઈઓના માર્ક્સ પણ એક્સરખા જ આવ્યા છે. ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા ૠત્વ અને રુદ્ર સભારીયાના માર્ક્સ ૫૭૩ અને ટકા પણ એક્સરખા ૯૫.૦૫ ટકા આવ્યા છે. તેઓ અભ્યાસમાં એકબીજાને મદદ કરતા હતા. ખાસ વાત તો એ છે કે, ધોરણ ૧ થી ૧૦ સુધી બંનેના માર્ક્સ એક્સરખા જ આવતા રહ્યા છે. ત્યારે ફરીથી બોર્ડની પરીક્ષામાં તેઓએ એક્સરખા માર્કસ લાવીને સૌને ચોંકાવ્યા છે. હવે બંને કોમ્પ્યુટર એન્જીનરીંગમાં એડમિશન લેશે.
પોતાના માર્કસ વિશે ૠત્વ અને રુદ્રએ જણાવ્યું કે, અમે બંને રોજ ૮ કલાક વાંચતા હતા. સ્કૂલથી આવીને રિવિઝન કરતા હતા. અમારી શાળા અને માતાપિતાએ અમને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે. જેને કારણે અમારુ પરિણામ સારુ આવ્યું છે.