કાલોલમાં ખનીજ તસ્કરોએ તંત્રને ગુલામ બનાવી દીધું હોવાની લોકચર્ચા સાંભળવામાં આવી રહી છે. તંત્રની રહેમ નજર ગણો કે તંત્રની બેદરકારી ગણો. પરંતુ ગોમા નદીમાં કોઈની પણ સાડાબારી રાખ્યા વિના ખનીજ માફિયાઓએ ખનીજ ચોરીની ટંકશાળ પાડી દીધી છે. ગોમા નદીમાં ઠેક ઠેકાણે ખનન માફિયા દ્વારા ખુલ્લેઆમ રેતી અને બેટનું ખનન કરી બેરોકટોક વહન કરવામાં આવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કાલોલમાં ખનીજ માફિયાઓની દાદાગીરી એટલી હદે વધી જવા પામી છે કે તંત્ર વિરુદ્ધ ખનીજ ચોરી કરતા ખનીજ માફીયાઓ ખનીજનું ખનન કરતા વિડિયો બનાવીને ખુલ્લેઆમ સોશ્યલ મિડીયા પર અપલોડ કરી પોતાને ખનન માફિયા તરીકે ઓળખાવી રહ્યા છે.
કાલોલ શહેર અને તાલુકામાં ખાણખનીજ અને પરિવહન મામલે કોઈ તંત્રની શહેશરમ રહી નથી એ સ્પષ્ટ દેખાય છે. તદ્ઉપરાંત તંત્રની કામગીરી મુજબ છીંડે ચડ્યો એ જ ચોર બાકી સહુ શાહુકાર ગણાય છે. પરંતુ કાલોલ વિસ્તારમાં તંત્રની કોઈ વાડ જ જોવા મળતી નથી. તદ્ઉપરાંત કાલોલ વિસ્તારમાં ખનીજ ચોરો સામેથી કહે છે કે, અમે ચોર છીએ તો પણ કોઈ તંત્રને ચોર દેખાતા નથી એવો ઘાટ સર્જાયો છે.
વહિવટીતંત્રના કારોબાર સામે પણ સવાલો અને શંકાકુશંકાઓ ઉભી થવા પામી છે. અત્રે કાલોલ નગરમાં શિશુ મંદીર શાળા પાછળ, વેરાઈ માતા મંદિર પાછળ, સ્મશાન ભૂમિ વિસ્તારમાં, જેતપુર, મેદાપુર, ઉતરેડિયા, અલાલી, સગનપુરા, સુરેલી અને ઘુસર સુધી સર્વત્ર વહીવટી તંત્રની નિષ્કાળજીને કારણે ખનન માફિયા બેફામ બની ગયા છે. આ તમામ જગ્યાઓએ રેતી અને માટીનું ખનન કરી ટ્રેકટરો અને ટ્રકો મારફતે સરેઆમ ખનીજ વહન કરે છે, ત્યારે રસ્તામાં કોઈ પણ જગ્યાએ તેઓને રોકવામાં આવતા નથી. જે ખનીજ માફિયા ઓની પહોચનો અંદાજ બતાવે છે.
કાલોલ શહેરમાં શિશુ મંદીર શાળા પાસે હાઈવે ઉપર કાલોલ પોલીસનો ચેકીંગ પોઇન્ટ હોવા છતાં પણ પોલીસને ફકત મુસાફરો ભરીને આવતા જતા વાહનો જ દેખાય છે આવા વાહનો તેઓની દ્રષ્ટિમાં આવતા નથી. ખનન માફિયા દ્વારા સ્ટેટસ મુકવાના સમાચાર બાદ ઉપરી અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવાની ઉપરછલ્લી કોશિશો કરાઈ હતી પરંતુ નકકર આયોજનના અભાવે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરીયાદ ખનન માફીયાઓ વિરૂદ્ધ નોંધાઇ નથી અને પરીણામે માફીયા ઓની હિંમત ઓર વધી ગઈ છે.
કાલોલના બજારોમાં એક ખનીજ માફિયો બિન્દાસ્ત રીતે પોતે નિયમીત રીતે હપ્તા આપતો હોવાનું ગાણુ ગાઈ પોતાનુ કઈ જ બગાડી નહિ શકે તેમ બોલતો હોવાથી આવા ખનન માફીયાઓ હપ્તાના જોરે વહીવટી તંત્રને ખરીદી લીધુ હોય તેવું વર્તન કરતા જોવા મળે છે ત્યારે કાલોલ નગરની ગોમા નદીને હવે તો ખુદ ભગવાન પણ બચાવી શકે તેમ નથી તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યુ છે. વહીવટી તંત્રના અઘિકારીઓની ભાગબટાઈને કારણે સમગ્ર કાલોલ પંથકમાં રેતી અને માટીનું ખનન ચાલી રહ્યુ છે ત્યારે વહીવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તેની રાહ જોવાઈ રહી છે.