
તેલઅવીવ, અમેરિકા ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે દોસ્તી કરાવવા માટેના પ્રયાસ કરી રહ્યું છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગયા અઠવાડિયે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે બે વખત વાતચીત કરી હતી.
વાતચીત ઇઝરાયેલમાં રહેતા આરબ મૂળના લોકોને સીધી ફ્લાઈટ દ્વારા હજ પર મોકલવા વિશે હતી. MBS તે સમયે બહેરીનમાં હતા. આ વાતચીતમાં બહેરીનના વિદેશ મંત્રી અબ્દુલ્લાલતિફ બાન રાશિદ અલ ઝયાનીએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.
હાલમાં જ ઈઝરાયેલના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે- ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચેના રાજદ્વારી સંબંધો ૬ મહિનામાં પુન:સ્થાપિત થાય તે ખૂબ જ સંભવ છે.
નેતન્યાહૂ અને એમબીએસ વચ્ચેની વાતચીત પર અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલના અખબાર ’હેરાત્ઝ’ના જણાવ્યા અનુસાર, નેતન્યાહૂએ MBSની સામે બંને દેશો વચ્ચે સામાન્ય સંબંધો શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો. MBSએ આ વાતનો ઇનકાર કર્યો હતો. તેમણે નેતન્યાહુને મળવાનો પ્રસ્તાવ પણ સ્વીકાર્યો ન હતો.
’ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નેતન્યાહૂ અને MBS વચ્ચેની વાતચીતમાં ઈઝરાયેલમાં રહેતા આરબ મૂળના લોકોને તેલ અવીવથી જેદ્દાહ સુધીની સીધી ફ્લાઈટ આપવાનો નિશ્ર્ચિતપણે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફ્લાઈટ માત્ર હજ યાત્રીઓ માટે હશે. આ જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલને પૂરી આશા છે કે સાઉદી અરેબિયાની સરકાર ડાયરેક્ટ ફ્લાઈટને મંજૂરી આપશે અને ત્યાર બાદ સામાન્ય સંબંધો તરફ એક પગલું ભરવામાં આવશે.એમબીએસ ઈચ્છે છે કે ઈઝરાયેલના કબજા હેઠળના વિસ્તારમાં આવેલી અલ-અક્સા મસ્જિદનું સુરક્ષા નિયંત્રણ પેલેસ્ટાઈનના સુરક્ષા દળોને સોંપવામાં આવે. ઈઝરાયેલે માત્ર પશ્ર્ચિમી ભાગ પર કબજો કર્યો. આ અંગે પણ સર્વસંમતિ સધાઈ શકી નથી.
ગયા અઠવાડિયે ઇઝરાયલના વિદેશ મંત્રી એલી કોહેને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું – અમારા અને સાઉદી અરેબિયાના હિતો એક સમાન છે. આશા છે કે સામાન્ય સંબંધો પણ શરૂ થશે. જોકે આ કામ ક્યારે અને કેવી રીતે થશે તે હું કહી શક્તો નથી. કોહેને સ્વીકાર્યું કે વ્હાઇટ હાઉસના મધ્ય પૂર્વ બાબતોના સંયોજક એમોસ હોચેસ્ટન આ મહિનાની શરૂઆતમાં MBS સાથે મળ્યા હતા. આ દરમિયાન ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે સામાન્ય સંબંધો શરૂ કરવા પર લાંબી ચર્ચા થઈ હતી. આ પછી ઈઝરાયેલના વિદેશ મંત્રીનું વધુ એક નિવેદન આવ્યું છે. તેમણે સંકેતમાં આશા વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે ૬ મહિના કે એક વર્ષમાં રાજદ્વારી સંબંધો શરૂ થઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયા ઈચ્છે છે કે ઈઝરાયેલ સરકાર પેલેસ્ટાઈનના મામલામાં નરમ વલણ અપનાવે. અમેરિકા પણ ઈઝરાયેલ પર સાઉદી સાથે વાતચીત કરવા દબાણ કરી રહ્યું છે. જો કે, ઈઝરાયેલની કટ્ટરપંથી સરકાર પેલેસ્ટાઈનને શું અને કેટલી છૂટ આપશે, તે સ્પષ્ટ નથી.